- ત્રણ હજારની વસ્તી ધરાવતા ફળિયામાં જવા માટે ડામરનો રોડ બનાવવામાં આવ્યો નથી
- ચોમાસા દરમિયાન લોકોને ડુંગરવાળા માર્ગથી પસાર થવાની ફરજ પડે છે
- બંદૂસા ફળિયામાં 108 પણ આવતી નથી
વલસાડ: આઝાદીના 74 વર્ષ પૂર્ણ થઈ ચૂકયા છે અને ધીરે-ધીરે સમગ્ર દુનિયા અને વિશ્વ આગળ વધી રહ્યું છે, ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સરવરટાટી ગામમાં બંદૂસા ફળિયું જે મૂળ ગામથી ત્રણ ડુંગરની વચ્ચે તળેટીમાં અઢી કિલોમીટર નીચે આવેલું છે, ત્યાં જવા માટે આજે પણ કોઈ રોડ બન્યો નથી. માત્ર પથરાળ રોડ પર ચાલીને જવા સિવાય કોઈ અન્ય વિકલ્પ લોકો પાસે રહ્યો નથી.
એક એવું ફળિયું જ્યાં આજે પણ દર્દીને સારવાર માટે કાવડમાં લઇ જવાય છે આ પણ વાંચો- રાજપીપળા વિકાસના પંથે, પરંતુ કેવડિયા મુખ્ય હાઈવેને જોડતો રસ્તો કાચો!
સરવરટાટી મુખ્ય ગામ ડુંગર પર છે, જ્યારે બંદૂસા ફળિયું તળેટીમાં આવેલું છે
સરવરટાટી ગામથી બંદૂસા ફળિયું મુખ્ય ગામથી 2થી અઢી કિલોમીટર દૂર તળેટીમાં આવેલું છે, જ્યાં 3000ની વસ્તી છે. સ્થાનિકોએ રાજકારણીઓને અનેક રજૂઆતો કર્યા છતાં પણ કોઈ સુવિધા મળી નથી. તેમના ફળિયા સુધી આજે પણ કોઈ ફોર વ્હીલર જતી નથી. ફળિયામાં જવા માટે ત્રણ સ્થળેથી રોડ નીચે ઉતરે છે પણ એક પણ રોડ ડામર રોડ નથી. જેના કારણે લોકોને ચાલીને જવાની ફરજ પડે છે. ચોમાસા દરમિયાન સ્થાનિકોની હાલત કફોડી બની છે.
કપરાડા તાલુકાનું એક એવું ગામ જે આઝાદીના 74 વર્ષ પછી પણ વિકાસથી વંચિત 108 ફળિયા સુધી પહોંચતી ના હોવાથી દર્દીને કાવડમાં લઇ જવામાં આવે છે
બંદૂસા ફળિયામાં રહેતા સ્થાનિકોની હાલત એટલી કફોડી છે કે, ચોમાસા દરમિયાન જો ફળિયામાં કોઈની તબિયત નાદુરસ્ત બને તો આવા સમયે છેક તળેટીથી સરવરટાટી મુલગામ ફળિયા સુધી એટલે કે અઢી કિલોમીટર ચાલીને લાકડાની કાવડ અને ઝોળી બનાવી ઊંચકીને લાવવાની ફરજ પડે છે. કારણ કે, બંદૂસા ફળિયા સુધી ડામર રોડ ન હોવાના કારણે 108 ત્યાં સુધી પહોંચતી નથી, તેના કારણે દર્દીને કાવડમાં ફળિયાથી બહાર લઇ જવાય છે અને એજ સ્થિતિ આજે પણ છે. ચોમાસા દરમિયાન તો લોકોને વધુ મુશ્કેલી સહન કરવી પડે છે.
સરવરટાટી બંદૂસા ફળિયામાં જવા માટે ત્રણ માર્ગ છે, પરંતુ ડામર રોડ નથી
બંદૂસા ફળિયામાં રહેતા 3000 લોકો માટે ફળિયામાં જવા અલગ-અલગ ત્રણ માર્ગ છે. જે સરવરટાટી મૂળગામ, ચેપા અને અન્ય એક જગ્યા એમ ત્રણ સ્થળેથી ફળિયા સુધી પહોંચે છે, પરંતુ આજે પણ એ ત્રણેય માર્ગો ખૂબ કાચા અને પથરાળ છે. બાઇક ચાલકને પણ બાઇક પોતાના ઘર સુધી લઇ જઇ શકે તેમ નથી. લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો- બાલાસિનોરથી ગઢના મુવાડાનો રસ્તો બિસ્માર હાલતમાં રહેતા ગ્રામજનો મૂશ્કેલીમાં
રોડ બાબતે વારંવાર રજૂઆતો કર્યા છતાં સમસ્યા યથાવત
સરકારી વહીવટીતંત્ર રાજકારણી અને અનેક સામાજિક અગ્રણીઓ દ્વારા આ સમગ્ર રોડ બાબતે વારંવારની રજૂઆતો, આવેદનપત્રો આપવામાં આવ્યા છે, પરંતુ આજદિન સુધી ફળિયાના રોડ બનાવવા માટે તંત્રએ કે રાજકારણીઓએ રસ ન દાખવતા આજે પણ લોકો વારંવાર પડી રહ્યા છે. આવી ઘટના બનવા છતાં ડામર રોડ બન્યો નથી અને જેના કારણે લોકોને પોતાના ઘર સુધી જવા માટે જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.