વાપી : વાપી નજીક મોરાઈ ગામે આવેલા વેલસ્પન ઇન્ડિયા લિમિટેડ કંપનીમાંથી ઝારખંડના જમશેદપુરના પોટકાની 22 યુવતીઓને ફૂડ પેકેટ્સ અને ટ્રેનની ટીકીટ આપી વતન રવાના કરાઈ હતી. જો કે આ ઘટનાએ એક અધૂરી માહિતીના ટ્વીટને લઈને કેવી મુસીબત સર્જી શકે છે તેનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું.
અધૂરી માહિતી સાથેના ઝારખંડના ધારાસભ્યના એક ટ્વિટે વલસાડ પોલીસ, વહીવટીતંત્ર અને કંપની સંચાલકોને દોડતા કર્યા - police
વાપીમાં કાર્યરત વેલસ્પન ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં ઝારખંડની યુવતીઓ ફસાઈ હોવાનું અને તેમને મદદ કરવામાં આવે તેવી અધૂરી માહિતી સાથે ઝારખંડના ધારાસભ્યએ કરેલા એક ટ્વીટથી વલસાડ વહીવટીતંત્ર, પોલીસ વિભાગ અને કંપની સંચાલકો દોડતા થયા હતાં. જો કે સમગ્ર મામલે અહીં યુવતીઓને તમામ સુવિધાઓ આપવામાં આવતી હોવાનું અને 127 યુવતીઓમાંથી માત્ર 22 યુવતીઓ જ ઘરે જવા તૈયાર થતા તેમને વાપીથી ટ્રેનમાં વતન રવાના કરવામાં આવી હતી.
હકીકતમાં આ યુવતીઓમાંથી કોઈ એક બે યુવતીઓએ ઝારખંડના બહારાગોરાના પૂર્વ ધારાસભ્ય કુણાલ ષાડગી અને પોટકાના ધારાસભ્ય સંજીવ સરદારને ટ્વિટ અને વોટ્સએપ મેસેજ કર્યો હતો કે તેઓ વતન આવવા માગે છે તે માટે કોઈ વ્યવસ્થા ન હોય અને અહીં ફસાયેલી છે. આ ટ્વીટની વિગતો ઝારખંડના મુખ્યપ્રધાન પાસે પહોંચી અને ત્યારબાદ ગુજરાતના CID ક્રાઈમના ડૉ.શમશેર સિંહ પાસે પહોંચી જેઓએ તાત્કાલિક આ અંગે વલસાડ જિલ્લા પોલીસ સાથે વાત કરી સ્થાનિક પોલીસને કંપનીમાં મોકલી તપાસ કરતા હકીકત કંઈક જુદી જ સામે આવી હતી. જેમાં 127 યુવતીઓમાંથી માત્ર 49 યુવતીઓ જ વતન જવા માગતી હોય તમામને વતન મોકલવાની વ્યવસ્થા તંત્રએ અને કંપની સંચલોકોએ હાથ ધરી હતી, ત્યારે છેલ્લી ઘડીએ માત્ર 22 યુવતીઓ જ વતન જવા તૈયાર થઈ હતી. બાકીની યુવતીઓએ વતન જવાનું મુલતવી રાખ્યુ હતું. વતન જવા નીકળેલી યુવતીઓએ આ અંગે કંપનીનો આભાર વ્યક્ત કરી અહીં રહેવાથી લઇને પગાર સહિતની તમામ સુવિધાઓ ખૂબ જ સારી હોવાનું જણાવ્યું હતું.