- કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી દ્વારા પ્રશિક્ષણ શિબિરનું આયોજન
- બાલચોંડી ગામે મશરૂમ ખેતી પ્રશિક્ષણ શિબિર યોજાઈ
- ગ્રામીણ કક્ષાના ખેડૂતો મશરૂમની ખેતી તરફ વળ્યા
વલસાડઃ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી દ્વારા મશરૂમની ખેતીને વધુ પ્રોત્સાહન આપવા માટે કપરાડા તાલુકાના ગામોમાં પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે પૈકી બાલચોંડી ગામે 50 થી વધુ ખેડૂત માટે એક મશરૂમ ખેતી પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી. જેમાં ખેતી અંગેનું માર્ગ દર્શન થિયેરી અને પ્રેક્ટિકલ એમ બંને રીતે પૂરું પાડવામાં આવ્યું હતું.
મશરૂમની ડિમાન્ડ વધી
આજના સમયમાં જંકફૂડમાં ઉપયોગમાં આવતા મશરૂમની ડિમાન્ડ ખૂબ વધુ છે. એમાં પણ મશરૂમ 500 રૂપિયા કિલોના ભાવે વેચાય છે. ત્યારે ગ્રામીણ કક્ષાના લોકો ઓછા સમયમાં વધુ ઉત્પાદન લઈ શકે અને મશરૂમની ખેતીને વધુ પ્રોત્સાહન મળે એવા હેતુથી ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી દ્વારા 4 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે. જે પૈકી આજે કપરાડાના બાલચોંડી ગામે 50થી વધુ ખેડૂત માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન થયું હતું.
મશરૂમની જાતિ વિશે જાણકારી
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી પ્રશિક્ષણ મદદનીશ પ્રેમીલાબેન આહિરના જણાવ્યા અનુસાર કપરાડા તાલુકાના ગામો મશરૂમની ખેતી માટે ખૂબ અનુકૂળ છે. કુલ 2000 જેટલી જાતિ મશરૂમની સમગ્ર વિશ્વમાં હ્યાત છે. જોકે બટન મશરૂમ અને ઓઈસ્ટર મશરૂમ અહીં કપરાડામાં ઉત્પાદન થાય છે. એક સિલિન્ડર ભર્યા બાદ 22 દિવસે મશરૂમનું ઉત્પાદન શરૂ થઈ જતું હોય છે અને એક સિલિન્ડરમાં 5 કિલો કેટલું ઉત્પાદન ત્રણ વાર લઈ શકાય છે. આમ 15 કિલો જેટલું ઉત્પાદન એક સિલિન્ડરમાં કોઈપણ ખેડૂત લઈ શકે છે.
મહત્વનું છે કે, 22 દિવસમાં એટલે કે ઓછા સમયમાં વધુ ઉત્પાદન અને બજાર કિંમત પણ વધુ હોવાને કારણે હવે ગ્રામીણ કક્ષાના ખેડૂતો ધીરે ધીરે મશરૂમની ખેતી તરફ આગળ વધી રહ્યા છે .