વલસાડઃ જિલ્લા પંચાયતના રાજીવ ગાંધી સભાખંડમાં શુક્રવારે જિલ્લા પંચાયતની ખાસ સભાનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, ડેપ્યુટી DDO ડી. વી. મકવાણાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ બેઠક માં ગત સભાની કાર્યવાહીને બહાલી અપાઈ હતી. ઉમરગામ તાલુકામાં તાજેતરમાં છૂટી પડેલી માલખેત, ઘોડિપાડા, કોળીવાડ, કરજગામ, કાનાડુ, બિલિયા ગ્રામ પંચાયતોને રેવન્યુ વિલેજ તરીકે જાહેર કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ વલસાડ જિલ્લા પંચાયતના રેતી રોયલ્ટીના ફેર દરખાસ્તના કામોને મંજૂરી આપવામાં આવી અને એ તમામની સત્તા જિલ્લા વિકાસ આધિકારીને સોંપવામાં આવી હતી. 15મા નાણાંપંચમાં 7 કરોડની ગ્રાન્ટના કામોની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. જો કે, આ સભામાં વિપક્ષના સભ્ય ભોલાભાઈએ ચાલુ સભાએ ICDS કૌભાંડમાં જિલ્લા પંચાયતના સત્તાધીશો કેમ રસ લઈ દોષીતો સામે કાર્યવાહી કરતા ધ્રૂજે છે, તેવું જણાવ્યું હતું.
15મા નાણાપંચની જિલ્લા કક્ષાની ગ્રાન્ટના 7 કરોડના કામોની દરખાસ્તને મંજૂરી અપાઈ વલસાડ જિલ્લા પંચાયતના 15મા નાણાંપંચની ફાળવણી(ટકાવારીમાં)
- ગ્રામ પંચાયત - 70
- તાલુકા પંચાયત - 20
- જિલ્લા પંચાયત - 10
વિપક્ષી સભ્ય શિવાજી પટેલે જણાવ્યું કે, જિલ્લા પંચાયતના પ્રશ્નોના કોઈ નિરાકરણ થતા નથી. ભાવિક પટેલે જણાવ્યું કે, 6 માસ અગાઉ છરવાડા ગામમાં થયેલા કૌભાંડ અંગે લેખિત ફરિયાદ કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આમ જિલ્લા પંચાયતની ખાસ સભામાં એકદ બે પ્રશ્નોને બાદ કરતાં સભા શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થઈ હતી.
જિલ્લા પંચાયતના રાજીવ ગાંધી સભાખંડમાં શુક્રવારે જિલ્લા પંચાયતની ખાસ સભાનું આયોજન કરાયું મહત્વનું છે કે, 7 કરોડની ગ્રાન્ટ 15મા નાણાપંચમાં વલસાડ જિલ્લાને ફાળે આવી છે. તો દર વર્ષ કરતા 15મા નાણાપંચમાં થયેલા નિયમોના ફેરફારને આધીન હવે નાણાપંચમાં આવેલી ગ્રાન્ટનો 70 ટકા હિસ્સો ગ્રામ પંચાયતને, 20 ટકા હિસ્સો તાલુકા પંચાયતને અને 10 ટકા જેટલો હિસ્સો જિલ્લા પંચાયત ઉપયોગ કરી શકશે.
નોંધનીય છે કે, નવા નિયમ મુજબ ગ્રાન્ટની 50 ટકા વિકાસના કાર્યો માટે જ્યારે 25 -25 ટકા રકમ પીવાના પાણી અને સેનિટાઈઝેશન માટે ઉપયોગ કરી શકાશે. શુક્રવારે 7 કરોડના વિકાસના કાર્યોની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.