વાપીઃ જિલ્લાના કોળીવાડ વિસ્તારમાં મામલતદારની ટીમે દરોડા પાડ્યા હતા. જ્યા આધાર પુરાવા વિનાનો 397 બોરી ઘઉંનો જથ્થો મળી આવ્યો છે. મામલતદારે હાલ આ ઘઉં અને ટ્રક મળી 27 લાખના મુદ્દામાલને સિઝ કરી આ ઘઉં સરકારી સસ્તા અનાજના ગોડાઉનમાથી સગેવગે કર્યાની શંકાના આધારે તપાસ હાથ ધરી છે.
વાપીમાંથી બિલ આધાર પુરાવા વિનાનો 397 બોરી ઘઉંનો જથ્થો જપ્ત કરાયો, સરકારી સસ્તું અનાજ હોવાની શંકા આધારે તપાસ હાથ ધરાઇ વલસાડ જિલ્લાના પુરવઠા અધિકારીને બાતમી મળી હતી કે, વાપીમાં એક ટ્રકમાં ગેરકાયદેસર ઘઉંનો જથ્થો ભરવામાં આવ્યો છે. બાતમી આધારે વાપી ઇન્ચાર્જ અને પારડી તાલુકાના મામલતદાર એન. સી. પટેલને સૂચના આપતા મામલતદારે પોતાની ટીમ સાથે વાપીમાં કોળીવાડ વિસ્તારમાં એક પાર્કિંગ પ્લોટમાં રેઇડ કરી હતી. જ્યાં ઘઉંની 397 બોરી ભરેલ ટ્રક મળી આવી હતી.
જેના ડ્રાઈવરે ઘઉં એક ટેમ્પો ચાલક ટેમ્પો અહીં લાવી ટ્રકમાં ભર્યા હોવાની વિગતો આપતા ટેમ્પો ચાલકને હાજર થવા જણાવ્યું હતું પણ તે નહિ આવતા આખરે 397 બોરી ઘઉં અને ટ્રક મળી કુલ 27 લાખ આસપાસના મુદ્દામાલ પારડી સરકારી અનાજના ગોડાઉન ખાતે લાવી સિઝ કરવામાં આવ્યો છે.
ટ્રકમાં રહેલા ઘઉંના જથ્થા અંગે કોઈ માલિક હાજર થયા ન હોવાથી વહીવટીતંત્રએ આ અનાજ સરકારી સસ્તા અનાજના ગોડાઉનમાંથી અનાજના માંફિયાઓએ સગેવગે કર્યું હોવાનું અનુમાન લગાવી તે દિશામાં તપાસ હાથ ધરી હતી. વધુમાં મામલતદાર એન. સી. પટેલે જણાવ્યું હતું કે, હાલ અમે આ અંગે તપાસ હાથ ધરી છે અને આવા અનાજના માંફિયાઓની કારીગરી ક્યારેય ચલાવી નહિ લઈએ તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું.
ઉલ્લેખનીય છે કે, મામલતદારને કુલ 2 ટ્રકની બાતમી મળી હતી પરંતુ સ્થળનું સરનામું શોધવામાં સમય વેડફાતા એક ટ્રક ઘઉંના જથ્થા સાથે રવાના થઈ ગઈ હોવાની પણ વિગતો જાણવા મળી હતી. જ્યારે નિયમ મુજબ જો સરકારી સસ્તા અનાજના ગોડાઉનમાંથી આવા અનાજનો જથ્થો સગેવગે થતા પકડાય તો તેવા અનાજના માફિયાઓ સામે પોલીસ કાર્યવાહી ઉપરાંત સરકારી અનાજના કાળા બજાર હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે છે.