- જ્યાં બેસ્ટ ઘર બનાવ્યું ત્યાં જ ગંદકીના ઢગ
- બેસ્ટ ઘરનો એવોર્ડ મેળવ્યો પણ સ્વચ્છતામાં ઝીરો
- વડાપ્રધાનએ આપ્યો એવોર્ડ
વાપીઃ વાપી નગરપાલિકાના કબ્રસ્તાન રોડ પર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એક ઘરને બેસ્ટ ઘરનો એવોર્ડ મળતા સમગ્ર ગુજરાતમાં વાપીનું નામ રોશન થયું છે. જોકે બેસ્ટ ઘરનો એવોર્ડ જે ઘરને મળ્યો છે તે ઘરની નજીક જ કચરાના અને ગંદકીના ઢગ ખડકાયેલા છે. જે દૂર કરવા લાભાર્થીઓએ માંગ કરી છે.
915 ઘર રજીસ્ટર્ડ થયા હતા
વાપીમાં ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળે તેવા આશયથી પાલિકાના અધિકારીઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાને સતત વેગ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં વાપીમાં કુલ 915 રજીસ્ટર્ડ થયેલા ઘરમાંથી 461 ઘરનું નિર્માણ થઇ ચૂક્યું છે. જ્યારે 454 ઘરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. પાલિકાના અધિકારીઓ ફાઉન્ડેશનથી લઈને ઘર સંપૂર્ણ તૈયાર થઈ જાય ત્યાં સુધી લાભાર્થીઓને મદદરૂપ થઇ રહ્યા છે. જે અંતર્ગત મીનાબેન રમેશભાઇ પટેલના ઘરને હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓનલાઇન બેસ્ટ ઘર નો એવોર્ડ મળ્યો છે. જેણે વાપીનું નામ રોશન કર્યું છે.
કચરાની દુર્ગંધ લાભાર્થીઓ માટે અસહ્ય
જોકે બેસ્ટ ઘરનો એવોર્ડ મેળવ્યા બાદ પણ લાભાર્થી માટે અને આસપાસના રહીશો માટે મુશ્કેલી હળવી થઈ નથી. પતરાવાળા ઘરમાંથી પાકા મકાનમાં આવેલા લાભાર્થીઓના મકાન નજીક કચરાના ગંજ ખડકાયેલા છે. જેની દુર્ગંધ રહેવાસીઓ માટે અસહ્ય બની છે. જેને હટાવવાની માંગ લાભાર્થીઓએ કરી છે.
પ્રમુખની સુફીયાણી સલાહ
વાપીમાં આવાસ યોજનામાં બેસ્ટ ઘરનો એવોર્ડ મેળવનાર ઘર પાસે જ ગંદકીના ઢગ - પ્રધાનમંત્રી આવાસ યોજના
વાપીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બેસ્ટ ઘરનો એવોર્ડ મેળવ્યા બાદ વાપી નગરપાલિકાએ ગુજરાતમાં નામ રોશન કર્યું છે. જ્યારે ઘરની આસપાસ ખડકાયેલા ગંદકીના ઢગને કારણે આસપાસના રહીશોમાં નગરપાલિકા સામે રોષની લાગણી જોવા મળી છે.
એક તરફ વાપી નગરપાલિકાના પ્રમુખ આવાસ યોજના અંગે સુફિયાણી ગુલબાંગો મારી રહ્યા છે કે, સરકાર ખુદ જ્યારે આ પ્રકારની સુવિધા પૂરી પાડી મદદરૂપ થઈ રહી છે ત્યારે ઘરવિહોણા લોકોએ પોતાના નામના 7/12 અને જમીનના દસ્તાવેજ રજૂ કરી આ લાભ લેવો જોઈએ અને ઘરનું સપનું સાકાર કરવું જોઈએ. જ્યારે સ્વચ્છતાના નામે દીવાલો ચીતરાવી સ્વચ્છતા જાળવવાનું વિસરી ગયા છે.
મોટાભાગના વિસ્તારમાં કચરાના ઢગ
ઉલ્લેખનીય છે કે વાપી નગરપાલિકાના કબ્રસ્તાન રોડ અને અન્ય વિસ્તારના રોજના કચરો ઉઠાવવાના ટ્રેક્ટર દોડી રહ્યા છે. પરંતુ તેમ છતાં મોટાભાગના વિસ્તારમાં કચરો જેમનો તેમ પડ્યો રહેતો હોવાની રાવ નગરજનોની છે. ત્યારે એવોર્ડની લાઈનમાં દોડતાં અધિકારીઓ-પદાધિકારીઓ સ્વચ્છતા બાબતે પણ દરેક વિસ્તારમાં દોડે એવી લોક માંગ ઉઠી છે.