- કોરોનાના કારણે યુવતીનું મોત
- જે દીકરીને પિતા સાસરે વળાવવાના સપના જોતા હતા એ જ દીકરીને સ્મશાને વળાવવાનો વારો આવ્યો
- પીઠીના દિવસે જ યુવતીનું થયું મોત
વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા ગામે આવેલા એક જ ફળિયામાં રહેતા દિલીપ પટેલની પુત્રી મનિષાબેન જે છેલ્લા કેટલાક સમયથી નર્સ તરીકે વાપીના ગુંજન વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં કામ કરતી હતી. પરંતુ બાદમાં તેણે આ કામ છોડી પોતાના ઘરે રહેવાનું પસંદ કર્યું હતું. જોકે, તે બાદ પિતાએ પોતાની પુત્રીને સાસરે વળાવવા માટે સેલવાસના રખોલી ખાતે તેના લગ્ન નક્કી કર્યા હતા અને તારીખ 23/ 4/ના રોજ લગ્નની તારીખ નક્કી થઈ હતી. પરંતુ થોડા દિવસ પૂર્વે દીકરીની તબિયત લથડતાં તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. યુવતીમાં કોરોનાના લક્ષણો દેખાતાં સેલવાસ ખાતે એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. જ્યાં યુવતીની પીઠીના દિવસે જ તેનું મોત થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.
આ પણ વાંચોઃવલસાડ કપરાડા ગ્રામ પંચાયત દ્વારા 7 દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન
યુવતીમાં કોરોનાના લક્ષણ દેખાતા સારવાર માટે સેલવાસની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી
આ ઘટનાની વિગત જોઈએ તો લગ્નની તારીખ હોવાથી તમામ સગા વ્હાલાઓને આમંત્રણ પણ આપી દેવામાં આવ્યું હતું. ત્યારે યુવતીની તબીયત લથડતા સાસરી પક્ષ અને પિયર પક્ષ બંનેના પરિવારજનો ખૂબ જ ચિંતામાં મુકાયા હતા. યુવતીમાં કોરોનાના લક્ષણ આવતા આ ચિંતા વધુ પ્રબળ બની હતી અને આ યુવતીને સારવાર અર્થે સેલવાસની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં આ યુવતીની સારવાર ચાલી રહી હતી અને યુવતીને ઇન્જેક્શનની જરૂર ઊભી થઈ હતી, તેને લેવા માટે પરિવારે આકાશ-પાતાળ એક કર્યું હતું. તેમજ પરિવારના કેટલાક સભ્યો ઈન્જેક્શન લેવા માટે સુરત ગયા હતા, જોકે, ઇન્જેક્શન લઈને પરત આવે તે પૂર્વે યુવતીનું મોત થયું હતું.