ગુજરાત

gujarat

By

Published : Feb 17, 2021, 12:14 PM IST

ETV Bharat / state

વલસાડની યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપનારો શખ્સ ગાંધીનગરથી ઝડપાયો

એક તરફ સોશિયલ મીડિયાના કારણે ઘણા કામ સરળ બન્યા છે તો બીજી તરફ ગુના કરવામાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આરોપીઓ કોઈ કચાશ છોડતા નથી. આવી જ રીતે વલસાડમાં પણ એક યુવકે સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કરી યુવતીને હેરાન કરતો હોવાની ઘટના સામે આવી છે. આરોપી યુવક વલસાડમાં રહેતી એક સગીરાના ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દેવાની ધમકી આપતો હતો. જોકે, પોલીસે આરોપીની ગાંધીનગરથી ધરપકડ કરી લીધી છે.

વલસાડની યુવતીના ફોટા વાઈરલ કરવાની ધમકી આપનારો ગાંધીનગરથી ઝડપાયો
વલસાડની યુવતીના ફોટા વાઈરલ કરવાની ધમકી આપનારો ગાંધીનગરથી ઝડપાયો

  • યુવક ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી મહિલાઓને ટાર્ગેટ કરતો હતો
  • સગીરાના એકાઉન્ટમાંથી ફોટો ડાઉનલોડ કરી મોર્ફ કરી તે મહિલાઓને બ્લેકમેલ કરતો
  • મેસેન્જરમાં મોર્ફ કરેલા ફોટા મોકલી યુવતીઓ પાસે અશ્લિલ ફોટા મગાવતો હતો

વલસાડઃમળતી માહિતી અનુસાર, વલસાડ ગ્રામ્ય પોલીસમથકની હદમાં આવેલા એક ગામમાં રહેતી સગીરાને એક યુવકે સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. આ યુવકે આ સગીરા સાથે દોસ્તી કરવા માટે એક મહિલાના નામે પોતાનું ફેક આઈડી બનાવ્યું હતું. ત્યારબાદ આ સગીરાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી તેના ફોટા મોર્ફ કરી સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દેવાની ધમકી આપતો હતો. સગીરાએ આ અંગે વલસાડ સાયબર સેલમાં ફરિયાદ કરતા પોલીસે આરોપીની ગાંધીનગરથી ધરપકડ કરી હતી.

શું તમને પણ સોશિયલ મીડિયામાં કોઈ મોર્ફ કરેલા ફોટો મોકલે છે? તો ચેતી જજો...

વલસાડ ગ્રામ્ય પોલીસમથક વિસ્તારમાં રહેતી એક યુવતી જેને થોડા દિવસ પહેલાં એક યુવતીના નામના આઈડી પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. ત્યારબાદ તેના એકાઉન્ટમાં મુકેલી પ્રોફાઈલ પિક્ચર સાથે એક મોર્ફ કરેલો ફોટો તે એકાઉન્ટમાંથી યુવતીને મળ્યો. આ સાથે જ ફેક એકાઉન્ટ તરફથી અશ્લિલ માગ કરવામાં આવી હતી અને જો તેમ ન કરે તો મોર્ફ કરેલો ફોટો વાઈરલ કરવાની ધમકી પણ મળી હતી. એટલે પોલીસે વલસાડ સાયબર સેલનો સંપર્ક કર્યો હતો.

આ ફેક એકાઉન્ટ ગાંધીનગરથી ઓપરેટ થતું હતું

પોલીસે ટેક્નિકલ એનાલિસિસ કર્યું તો યુવકે બનાવેલું એકાઉન્ટ ફેક હોવાનું જણાયું હતું. આ એકાઉન્ટ ગાંધીનગરથી ઓપરેટ થતું હોવાનું પણ તપાસમાં ખૂલ્યું હતું. પોલીસે આ ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવનારા આરોપી કીર્તિ મહેશ વાઘેલાની ધરપકડ કરી છે. આ અગાઉ પણ આ યુવક ઉપર આ જ પ્રકારના ચાર ગુના નોંધાઈ ચૂક્યા છે.

પકડાયેલો યુવક પરિણીત અને રંગ કામમાં મજૂરી કરતો હતો

પોલીસે પકડેલો યુવક ગાંધીનગરના પેથાપુરમાં રંગ કામમાં મજૂરી કરતો હતો. આ અગાઉ પણ ચારથી પાંચ યુવતીને તેણે સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપી હતી. જોકે, આ યુવક પરિણીત છે અને તેને બં સંતાન પણ છે. આમ, વિકૃત માનસિકતા ધરાવતા આ યુવકને હાલ તો પોલીસે ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details