પારસીઓના અતિ પવિત્ર એવા અગ્નિ આતશ બહેરામની અગિયારી ધરાવતા ઉદવાડામાં હાલ ત્રણ દિવસીય "ઉદવાડા ઈરાનસા ઉત્સવ 2019"નું આયોજન થયું છે જેમાં સમગ્ર વિશ્વમાં વસવાટ કરતાં પારસી સમાજના લોકો ભારતીય સંસ્કૃતિ તેમજ પારસી કલ્ચરને જાણી શકે તે માટે અનેક આયોજનો કરવામાં આવ્યા હતા. આ ઉત્સવ અંતર્ગત યોજાયેલ હેરિટેજ વોકમાં વિશેષ ગાઇડ જમશેદભાઈ દ્વારા વિવિધ વિસ્તારોમાં પારસીઓના જૂના મકાનોના બાંધકામ, ગામની ભૌગોલિક પરિસ્થિતિ તેમજ ભૂતકાળમાં આતશ બહેરામ ઉદવાડામાં કઈ રીતે લાવવામાં આવ્યા હતા તે અંગેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી.
આ વોકમાં ગામનું નામ ઉદવાડા કેવી રીતે પડ્યું તે અંગે જાણકારી આપતા જમશેદભાઈએ જણાવ્યું કે વર્ષો પહેલા પેશ્વાના સમયમાં સૈન્યમાં ઊંટને એક જગ્યાએ રાખવા માટે એક સ્થળ બનાવવામાં આવ્યું હતું તે સ્થળ ઉંટવાળા કહેવાતુ હતું આમ ઉંટવાળા પરથી અપભ્રંશ થઇને ઉદવાડા નામ પડ્યું હોઇ શકે.