વલસાડ: વાપીમાં એક કાર માલિક હાલ ચર્ચાનો વિષય બન્યો છે. કારણ છે આ કાર માલિકને વાપીના મારુતિ સુઝુકી NEXA શૉ રૂમના સંચાલકે 6.85 લાખની નવી નક્કોર પણ કાટ ખાઈ ગયેલી બલેનો કાર ગ્રાહકને વેચી હતી. કાર કાટ ખાઈ ગયેલી હોવાથી કાર માલિકે અનેક રજૂઆતો કરી હોવા છતાં કાર શૉ રૂમ સંચાલકે કાર બદલી આપી ન હતી કે રિફન્ડ પણ આપ્યું ન હતું. આખરે કંટાળીને કાર માલિકે કાર પર છેતરાઇ ગયો હોવાના બેનર લગાવી વિરોધ પ્રદર્શિત કરવાનો નવીનતમ યુક્તિ અજમાવી છે. આ વિરોધ પ્રદર્શનમાં સામાન્ય નાગરિકો પણ તેમને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
23મી ડિસેમ્બર 2019ના રોજ ખરીદી હતી કાર
આ કારના માલિકનું નામ અનુપકુમાર ભયાન છે. મુળ ઓડિશાના અને હાલ સંજાણ ખાતે નોકરી કરતા અનુપ કુમારે 23મી ડિસેમ્બર 2019ના રોજ વાપીના મારુતિ સુઝુકી NEXAની ડિલરશિપ ધરાવતા કટારીયા ઓટો મોબાઈલમાંથી 6.85 લાખની બલેનો કાર ખરીદી હતી.
ત્રીજ જ દિવસે કારના કલરમાં લાલ રંગના નિશાન જોવા મળ્યા
આ કાર ખરીદીને ઘરે આવ્યા બાદ અનુપ કુમારને ત્રીજે દિવસે કારના કલરમાં લાલ રંગના નિશાન જોવા મળ્યા હતા, જે કારણે આ નિશાનને દૂર કરવા માટે શૉ રૂમમાં પરત મોકલી આપી હતી. જો કે, આ કલર પોલિશથી નીકળી જશે તેવું આશ્વાસન શૉ રૂમ સંચાલક દ્વારા આપવામાં આવ્યું હતું. દોઢ મહિનો આ કાર શૉ રૂમમાં રાખ્યા બાદ પણ કાર માલિકને કારમાં રહેલી ક્ષતિઓ દૂર કરવામાં આવી ન હતી.
વાપીમાં કાટ ખાઈ ગયેલી કાર પધરાવી દેતા કાર માલિકે કર્યું અનોખીરીતે વિરોધ પ્રદર્શન 'હું છેતરાયો છૂં, તમે છેતરાશો નહીં'
આખરે કાર માલિકે કાર બદલી કરી આપવા અથવા તો રિફન્ડ આપવા અંગેની માગ કરી હતી. જે પણ કંપનીએ કે સંચાલકોએ ગણકારી ન હતી, એટલે 10 મહિનાની લડત બાદ અનુપ કુમારે કાર પર પોતે છેતરાયા છે, બીજા છેતરાશો નહી, તેવા બેનર મારી અનોખો વિરોધ શરૂ કર્યો છે.
શૉ રૂમના સંચાલકે આપ્યો તોછડાઈભર્યો જવાબ
અનુપ કુમારના આ વિરોધ અંગે જ્યારે મારુતિ સુઝુકી NEXA શૉ રૂમના સંચાલક સાથે વાત કરવાની કોશિશ કરતા તેમને આવા ગ્રાહકો તો આવ્યા કરેને વિરોધ કર્યાં કરે એવો તોછડાઈભર્યો જવાબ આપી કેમેરા સામે કંઇપણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે, અનુપ કુમારના આ અનોખા વિરોધને લોકો પ્રોત્સાહન આપતા હોવાનું અને આવા શૉ રૂમ સંચાલકો કે, કંપનીઓ સામે વિરોધ કરી તેમની શાન ઠેકાણે લાવવી જોઈએ, તેવું જણાવી ઉત્સાહ વધારતા હોવાનું અનુપ કુમારે જણાવ્યું હતું.
લોકો સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યાં છે સપોર્ટ
ઉલ્લેખનીય છે કે, વાપીના તમામ મુખ્ય માર્ગો પર અનુપ કુમાર આ છેતરાયાના બેનર લગાવી કાર ફેરવી રહ્યા છે. જેને જોવા લોકો પોતાના વાહનો થોભાવી મોબાઈલથી ફોટો-વીડિઓ રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે. આ સાથે લોકો અલવરના મહારાજા જયસિંગને પણ યાદ કરી રહ્યા છે. જેમને રોલ્સ રોય કંપનીની શાન ઠેકાણે લાવવા 6 કારને પોતાના શહેરમાં કચરો ઉઠાવવા માટે ખરીદી હતી.