વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલના દરિયા કિનારે સૌરાષ્ટ્રના માંગરોળથી 80 જેટલા ખલાસી સાથેની બોટ આવી હતી. આ બોટ અંગે સ્થાનિક વહીવટી તંત્ર અજાણ તેમજ સ્થાનિક સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. મોડે-મોડે મામલતદારને સ્થાનિકો તરફથી જાણ થતાં બોટને ફરી દરિયાની અંદર મોકલી અન્ય બોટો સાથે આવવા માટે સૂચિત કરતાં બોટ ફરી ઊંડા દરિયામાં એન્કર પર લાંગરવામાં આવી છે.
નારગોલના દરિયા કિનારે સૌરાષ્ટ્રના માંગરોળથી વધુ 80 ખલાસીઓ સાથેની બોટ આવી સૌરાષ્ટ્રથી ઉમરગામ તાલુકાનાં હજારો માછીમારોને દરિયાઇ માર્ગે વતન મોકલવામાં આવી રહ્યા છે. ગત્ત રવિવારે 3000 જેટલા માછીમારો સાથે 23 જેટલી બોટ આવ્યા બાદ આ રવિવારે ફરી 3000 જેટલા માછીમારોને બેસાડી 25 થી વધુ બોટ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત તરફ નીકળી ચૂકી છે. આ સમયે વહીવટી તંત્ર વચ્ચે સંકલનનો સ્પષ્ટ અભાવ હોવાથી આવનારી બોટોની સંખ્યા તેમજ ખલાસીઓની સંખ્યા તથા બોટો ક્યારે આવી પહોચશે તે અંગે અજાણ હોવાનું બહાર આવી રહ્યું છે.
શનિવારે નારગોલની ખાડીમાં માંગરોળથી 80 ખલાસીઓને બેસાડી એક બોટ આવી હતી. જે સમયે કિનારે મરીન પોલીસ, ઉમરગામ પોલીસ, આરોગ્ય વિભાગ, મામલતદાર કચેરીની ટિમ, ફિશરીઝ વિભાગની ટીમનો એક પણ અધિકારી કર્મચારી હજાર નહીં હોવાથી આવેલી બોટ અંગે સમગ્ર વહીવટી તંત્ર ઊંઘતું જણાયું હતું. આ બોટ અંગેની માહિતી કોઈ સ્થાનિક વ્યક્તિએ મામલતદારને જાણ કરતાં મોડે મોડે મામલતદાર જેટી પાસે આવી બોટને ફરી દરિયાની અંદર જવાનું સૂચન કરી રવિવારે બીજી બોટ આવે પછી કિનારે આવવાનું જણાવ્યું હતું.
નારગોલના દરિયા કિનારે સૌરાષ્ટ્રના માંગરોળથી વધુ 80 ખલાસીઓ સાથેની બોટ આવી 80 વ્યક્તિઓ ભરીને બોટ નારગોલની ખાડી સુધી આવી ગયા બાદ કલાકો સુધી અજાણ મરીન પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. દરિયા કિનારાની દેખ રેખ માટે યુદ્ધના ધોરણે દેશના દરેક દરિયાઇ કિનારા પટ્ટી ઉપર સ્થાપિત કરવામાં આવેલા મરીન પોલીસની નજર દરિયાની અંદરથી આવતી મુસિબત અથવા હિલચાલ ઉપર રહેવી જોઈએ.
આજની ઘટનામાં કોરોનો મહામારીની કટોકટી સમયે પોલીસની ઢીલી કામગીરી પુરવાર થઈ હોવાનો આક્રોશ સ્થાનિકોમાં વાર્તાયો હતો. જો કે, સરકારે માછીમારો માટે દરિયામાં હોડી લઈ જવાની અને માછીમારી કરવાની પરવાનગી આપી હોવાની વિગતો મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.