વલસાડ: કોરોનાની સારવારમાં સિવિલ હોસ્પિટલમાં અનેક બેદરકારી દાખવાતી હોવાનું અને દર્દીઓને મોતના મુખમાં ધકેલતા હોવાના આક્ષેપો છેલ્લાં કેટલાંક દિવસથી ઉઠી રહ્યા છે. જે અંગે કલેકટરે પોતાની પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે, આ વાત એક સિક્કાની બે બાજુ સમાન છે. કેટલાક દર્દીઓના સ્વજનોની આ વ્યથા અને વેદના છે, જે સમજી શકાય છે, પરંતુ હોસ્પિટલની સાડા ત્રણ મહિનાની કામગીરીને જોતા, આ માટે વહીવટીતંત્ર દ્વારા આક્ષેપોની ગંભીરતા સમજી અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી હોસ્પિટલમાંથી સાજા થયેલા 400 જેટલા દર્દીઓનો વ્યક્તિગત સંપર્ક કરવામાં આવ્યો છે. જેમાં 99 ટકા દર્દીઓએ હોસ્પિટલની કામગીરીને સારો પ્રતિસાદ આપ્યો છે, એ નોંધ પણ દરેક નાગરિકે લેવી જોઈએ.
વલસાડ કલેક્ટરે કહ્યું- કોરોનામાંથી સાજા થયેલા 99 ટકા લોકોએ વલસાડ સિવિલની કામગીરી વખાણી
વલસાડ જિલ્લામાં કોરોના દર્દીઓને વલસાડ સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર નથી અપાતી, તેવા ગંભીર આક્ષેપો સામે વલસાડ કલેક્ટર આર.આર. રાવલે જણાવ્યું હતું કે, આ સિક્કાની બે બાજુ છે. કેટલાક પરિવારના સ્વજનોનું દુઃખ સમજી શકાય છે, પરંતુ હોસ્પિટલમાંથી સાજા થયેલા 99 ટકા લોકોએ હોસ્પિટલની કામગીરી માટે સારો પ્રતિસાદ આપ્યો છે.
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 809 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 578 દર્દીઓ સાજા થયા છે. 144 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 90 લોકો મોતને ભેટ્યા છે. જિલ્લામાં સૌપ્રથમ કોરોનાની સારવાર સિવિલ હોસ્પિટલ વલસાડ અને તે બાદ વાપીની જનસેવા હોસ્પિટલમાં શરૂ કરાઇ હતી અને હવે 10 જેટલી પ્રાઇવેટ હોસ્પિટલ અને ત્રણેક સરકારી હોસ્પિટલમાં પણ આ સારવાર શરૂ કરાઇ છે.
જો કે, કોરોના દર્દીઓ પ્રત્યે બેદરકારી રખાતી હોવાના આક્ષેપો પણ એટલા જ ઉઠ્યા છે. જેમાં સિવિલ અને પ્રાઇવેટ હોસ્પિટલો પર દર્દીઓના સ્વજનોએ હોબાળો મચાવ્યો હોવાના અનેકવાર વીડિયો વાયરલ થયા છે.