વાપીઃ કોરોના મહામારી અને લોકડાઉનમાં પ્રવાસી કામદારો માટે રેલવે વિભાગે અને ST વિભાગે પોતાની કાબિલે તારીફ કામગીરી બજાવી હજારો કામદારોને પોતાના વતન પહોંચાડ્યા છે. જેને લઈને આગામી દિવસોમાં વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કામદારોની અછત વર્તાશે. લોકડાઉનમાં જિલ્લાના ST વિભાગની 1308 બસ અને રેલવે વિભાગ તરફથી 55 ટ્રેન દોડાવવામાં આવી હતી.
વલસાડ જિલ્લામાંથી 92 હજાર કામદારોને પોતાના વતન મોકલાયા શનિવારે ભિલાડથી અંતિમ ટ્રેનમાં કામદારોને વતન રવાના કરવામાં આવ્યા હતા. આ સાથે જ વલસાડ જિલ્લામાંથી લોકડાઉન દરમિયાન કુલ 55 ટ્રેન દોડાવી હજારો કામદારોને પોતાના વતન મોકલ્યા બાદ વહીવટીતંત્ર એ હાશકારો અનુભવ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં વાપી, ઉમરગામ અને વલસાડ પંથકની કંપનીઓમાં કામદારોની અછત જોવા મળશે. કોરોના વાઈરસની મહામારીને ધ્યાને લઇ સમગ્ર દેશમાં લાદેલા લોકડાઉનને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાંથી વાપી, ઉમરગામ, પારડી વલસાડ, ગુંદલાવ અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં આવેલ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો મુશ્કેલીમાં મૂકાયા હતા. લોકડાઉનમાં ઉદ્યોગો દુકાન કે વાહન ટ્રાન્સપોર્ટની તમામ કામગીરી ઠપ્પ કરી દેવામાં આવી હતી. આ કામદારોએ તેમના વતન જવા માટે સરકાર સામે માગણી કરતા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંકલન સાધી સ્પેશિયલ શ્રમિક ટ્રેન દોડાવી હતી.જેમાં વાપી રેલવે સ્ટેશન, વલસાડ અને ભિલાડથી રવાના કરેલ ટ્રેનમાં વાપી રેલવે સ્ટેશનથી યુપી માટે 29, બિહાર માટે 10, ઓરિસ્સા માટે એક, મધ્ય પ્રદેશ માટે 6, ઝારખંડ માટે 5 મળી કુંલ 50 ટ્રેન રવાના થઈ હતી. તો, વલસાડ થી ત્રણ અને ભિલાડથી 2 મળી કુલ 55 ટ્રેનો રવાના કરાઇ હતી. જેમાં અંદાજિત 92,500 કામદારોને તેમના વતન ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન રાજ્યમાં મોકલવામાં આવ્યા હતા. આ તમામ કામગીરીમાં વાપી પોલીસ, સરકારી તંત્ર અને વાપીની કેટલીક સેવાભાવી સંસ્થાઓ મદદ આવી હતી. લોકડાઉન દરમિયાન જેમ સ્પેશ્યલ શ્રમિક ટ્રેન મારફતે હજારો કામદારોને વતન મોકલ્યા તેવી જ રીતે હજારો કામદારો માટે વલસાડ ST ડિવિઝને પણ અદભુત કામગીરી બજાવી હતી. વલસાડ ડિવિઝન દ્વારા વલસાડ, નવસારી, ડાંગ માટે 1265 બસ, ડિરેક્ટર્સ ઓફ લેબર માટે 25 બસ, વલસાડ પોલીસ માટે 15 બસ અને કલેકટર વલસાડની સુચનાને અનુસરી 3 બસ મળી કુલ 1308 બસની ફાળવણી કરી હતી. જેના દ્વારા પણ હજારો કામદારોને તેમના વતન પહોંંચાડાયા હતા.