વાપીઃ શહેરના એક વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારની દીકરીનો મૃતદેહ પંખે લટકતો મળી આવ્યો હતો. આ ઘટનામાં કોઈએ બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરી મૃતદેહને પંખે લટકાવી દીધો હોવાની આશંકા લોકો સેવી રહ્યા છે.
વાપીમાં 9 વર્ષની બાળકીનો પંખે લટકતો મૃતદેહ મળ્યો, દુષ્કર્મ બાદ હત્યાની આશંકા - પંખે લટકતો મૃતદેહ
વાપીના એક વિસ્તારમાં મકાનમાંથી 9 વર્ષની બાળકીનો પંખે લટકી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા અરેરાટી મચી ગઇ છે. હાલ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત મોકલવામાં આવ્યો છે.
આ અંગે મળતી વિગતો મુજબ, વાપીના એક વર્ષથી ભાડે રૂમ રાખી રહેતા એક પરિવારની 9 વર્ષીય બાળકીની મૃતદેહ ઘરમાં લટકેલી હાલતમાં મળી આવતા વિસ્તારના માલિકે આ અંગે કંપનીમાં નોકરીએ ગયેલા મૃતકના પિતાને અને પોલીસને જાણ કરી હતી. આ મૃતદેહનો કબજો લઇ પેનલ પીએમ માટે સુરત રવાના કરી હતી. બાળકી સાથે કોઇ અણબનાવ બન્યો હોય તેવી સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે.
હાલ સમગ્ર મામલે પોલીસે પણ સઘન પૂછપરછ હાથ ધરી છે. મૃતક બાળકીના પરિવારજનો નોકરી કરતા હોવાથી તમામ સવારે ઘરેથી નીકળ્યા બાદ સાંજે 5 વાગ્યે ઘરે આવતા હતા. બાળકી પણ સવારે નજીકની સ્કૂલમાં અભ્યાસ કરતી હોય દરરોજ 2 વાગ્યે ઘરે આવી ઘરે પણ અભ્યાસમાં પરોવાયેલી રહેતી હતી.