વલસાડઃ જિલ્લાના ભિલાડ ચેકપોસ્ટ પર ચકચાર જગાવતા દ્રશ્યોનો એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે આગામી દિવસોમાં ઇદના પર્વને લઈને રાજસ્થાનથી મહારાષ્ટ્રની દેવનાર મંડીમાં કતલખાને જતા 70 ટ્રકમાં ભરેલા હજારો બકરા મોતના મુખમાં ધકેલાય રહ્યા છે.
દેવનાર મંડીમાં જતા બકરા ભરેલા 70 જેટલા ટ્રકને ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર અટકાવાયા
ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર વલસાડ જિલ્લાના ભિલાડ ખાતે રાજસ્થાનથી મહારાષ્ટ્રની દેવનાર મંડીમાં જતા બકરા ભરેલા 70 જેટલા ટ્રકને મહારાષ્ટ્ર સરકારે પરમિશન નહિ આપતા મોટી સંખ્યામાં બકરાઓ મોતને ભેટ્યા છે. જેને લઈને સરહદનો સીમાડો મોતની દુર્ગંધની ગંધાયો છે.
બકરાઓના માલિકોએ આજીજી કરી છે કે, તેમને મહારાષ્ટ્ર સરકાર બકરા લઈ જવાની પરમિશન આપે. છેલ્લા ત્રણ દિવસથી અહીં 70 જેટલી ટ્રક પરમિશનની રાહ જોઈ રહી છે. એક એક ટ્રક માં 200થી 240 બકરા ભરેલા છે. જે તમામ ભૂખ્યા તરસ્યા છે. જેમાંથી કેટલાય બીમાર પડી ગયા છે. કેટલાય મોતને ભેટ્યા હોય ભયંકર દુર્ગંધ મારી રહ્યા છે.
આ પરિસ્થિતિમાં કેટલાક બકરાની માવજત તેમના માલિકો દ્વારા કરવામાં આવી રહી છે. તો, આ ઘટનાની જાણ વલસાડ પોલીસને થતા વલસાડ પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી જરૂરી તપાસ કરી સ્થાનિક પાંજરાપોળમાં બકરાઓને મોકલી સારવાર કરાવવાની અને સુરક્ષિત રાખવાની કામગીરી હાથ ધરી છે.