- દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
- વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદ
- મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશી
- જિલ્લામાં NDRFની ટીમ તૈનાત કરાઈ
વલસાડ: હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જે આગાહી વલસાડ જિલ્લા માટે ફળી હતી અને દુષ્કાળનો સામનો કરી રહેલા જિલ્લામાં વરુણદેવે પોતાનું હેત વરસાવ્યું હતું. વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે પવન સાથે અનરાધાર મેઘ વરસ્યો હતો.
વલસાડ જિલ્લામાં વરુણદેવનો આકરો મિજાજ એક તરફ ઉમરગામમાં 24 કલાકમાં 14.52 ઇંચ વરસાદ વરસ્યો હતો, તો વાપીમાં પણ 115 મીમી વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી ભરાયા હતાં. જિલ્લામાં થયેલી મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીનું મોજી ફરી વળ્યું હતું. શહેરીજનોએ પાણી ભરાવાની મુસીબત વેઠી હતી. જિલ્લાના તાલુકા મુજબ વરસાદની વાત કરીએ તો 24 કલાકમાં ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 363 મીમી વરસાદ વરસ્યો હતો.
વાપીમાં 115 મીમી, કપરાડામાં મીમી, ધરમપુરમાં 17 મીમી, વલસાડમાં 06 મીમી અને પારડીમાં 08 મીમી વલસાડ કંટ્રોલ રૂમમાં નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પણ 16417 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ મધુબન ડેમની સપાટી 73.30 મીટરે પહોંચી છે. જ્યારે ડેમના 2 દરવાજા 2 મીટર સુધી ખોલી 16083 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લામાં વરુણદેવનો આકરો મિજાજ જિલ્લાના કુલ સીઝનના વરસાદની વાત કરીએ તો ઉમરગામ તાલુકામાં સિઝનનો કુલ 1034 મીમી વરસાદ નોંધાયો છે. વલસાડ તાલુકામાં 809 મીમી, પારડી તાલુકામાં સૌથી ઓછો 490 મીમી, વાપીમાં 708 મીમી, કપરાડામાં 787મીમી અને ધરમપુર તાલુકામાં 545 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે જિલ્લામાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. જેને સંજાણ અને ઘોડિપાડા ગામ ખાતે ગામલોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા છે.