ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણ-સેલવાસમાંથી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી પરત ફરતા 200 પીધેલાઓ પર વાપી પોલીસની તવાઈ - દમણ-સેલવાસ ન્યૂઝ

વલસાડ: જિલ્લાના વાપી ડિવિઝનના પોલીસ મથકમાં 200 જેટલા પીધેલાઓને ઝડપી થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં પોલીસે ભંગ પાડ્યો છે. દમણ-સેલવાસમાં દારૂની મહેફિલ માણી પરત ફરતા તેમજ ફાર્મ હાઉસ કે અન્ય સ્થળ પર શરાબની મોજ માણનારા શરાબ શોખીનોને વાપીના વિવિધ પોલીસ મથકમાં જેલના સળીયા પાછળ ધકેલ્યા છે. પકડાયેલા પિયકડોનું મેડિકલ કરી કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે.

31 first celebration
દમણ-સેલવાસમાંથી થર્ટી ફર્સ્ટની ઉજવણી

By

Published : Dec 31, 2019, 8:56 PM IST

31મી ડિસેમ્બરના દિવસે દમણ-સેલવાસમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા અને દારૂની મોજ માણવા જતા દારૂના શોખીનોને પકડવા માટે વલસાડ પોલીસે તમામ સ્થળોએ નાકાબંધી કરી છે. ત્યારે આ નાકાબંધીમાં વાપી ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. વાપીના વાપી ટાઉન, GIDC પોલીસ મથક ઉપરાંત, ડુંગરા, ભિલાડ, ઉમરગામ વિસ્તારના ચેકનાકા પાસે દમણથી દારૂ પીને પરત ફરતા કુલ 200 જેટલા શરાબ શોખીનોને ઝડપી પાડયા છે.

દમણ-સેલવાસમાંથી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી પરત ફરતા 200 પીધેલાઓ પર વાપી પોલીસની તવાઈ
થર્ટી ફર્સ્ટની ઉજવણીના દિવસે ચાલુ વર્ષને બાય બાય કરવા અને 2020ને વધાવવા આ યુવાનો દમણ-સેલવાસમાં અને ખાનગી સ્થળો પર દારૂની મોજ માણવા ગયા હતા. જ્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા પીધેલાઓને પકડવાની ચાલી રહેલી ઝુંબેશમાં આબાદ રીતે ઝડપાઇ ગયા હતા. પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જેમને છોડાવવા પોલીસ સ્ટેશન બહાર સ્વજનોનો પણ મેળાવડો જામ્યો હતો.આ અંગે વાપી DYSP વિરભદ્રસિંહ જાડેજાએ વિગતો આપી હતી કે, વાપી ડિવિઝનમાં થર્ટી ફર્સ્ટના એક દિવસ અગાઉથી જ પોલીસ જવાનોનો કાફલો ખડકી પ્રોહીબિશન ડ્રાઇવ શરૂ કરી દીધી છે. હાલ 400 જેટલા પોલીસ જવાનો, SRPના 9 સેક્શન, ARD, GRD, SRD સહિતનો સ્ટાફ તમામ મુખ્ય નકાઓ પર અને ફાર્મ હાઉસ પર વોચ રાખી રહ્યો છે. અને ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકીંગ કરી રહ્યો છે. હાલમાં 200 જેટલા પીધેલાઓને પ્રોહીબિશનના કેસમાં અટક કરવામાં આવી છે.પોલીસ મથકમાં પકડાયેલ પીધેલોને લોકઅપમાં રાખી તેમનું નજીકની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવવાની કામગીરી હાથ ધરી છે. જેમાં સરકારી હોસ્પિટલમાં એક જ તબીબ હોય મેડિકલ ચેકઅપ કરાવવામાં પણ અનેક મુશ્કેલીઓ પડતી હોવાનું પોલીસ વિભાગના કર્મચારીઓએ જણાવ્યું હતું. મેડિકલ બાદ તમામ પિયકડોને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જે માટે પોલીસ વાનમાં કોર્ટમાં લઈ જવાય રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોના લોકો દમણ-સેલવાસમાં ઉજવણી કરવા માટે આવતા હોય છે. અને પરત ફરતા નશાની હાલતમાં વાહન અકસ્માતો સર્જતા હોય છે. તેમજ હાઇવે ઉપર મારામારીના બનાવો બનતા હોય છે. ત્યારે આવા તત્વોને કાયદાનો પાઠ ભણાવવા વલસાડ પોલીસ તમામ ચેકનાકા ઉપર સજજ થઇ છે. અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં શરાબ પીધેલા લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. વલસાડ જિલ્લાના 90 ટકા જેટલો પોલીસ સ્ટાફ હાલ દારૂ પીધેલાઓને પકડવાનાં કામે લાગ્યો છે.

ABOUT THE AUTHOR

...view details