- ગટરના ખાડામાં 3 લોકોના ડૂબી જવાથી મોત
- સવારે 9 કલાકે 2 બાળકો ન્હાવા પડ્યા હતા
- બાળકોને ડૂબતા જોઈ માતા બચાવવા પાણીમાં કૂદી પડી
વલસાડ:વાપી નજીક બલિઠા ગામે આવેલી એક રેસ્ટોરન્ટના પાછળના ભાગે રેલવેના ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCL) દ્વારા ગટર માટે ખોદવામાં આવેલી ચેનલમાં 2 બાળકો ન્હાવા પડ્યા હતાં. બાળકો ઊંડા પાણીમાં ડૂબવા લાગતા તેની બુમાબુમ સાંભળી બાળકની માતાએ તેમને બચાવવા પાણીમાં છલાંગ લગાવી હતી. જેમાં ત્રણેય લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. એક ખાનગી રેસ્ટોરન્ટમાં ભંગારની અને પ્લોટની રાખેવાળીનું કામ કરતા બાબુભાઇ રાઠોડ પર આભ તૂટી પડ્યું છે. બાબુભાઇ રાઠોડનો 10 વર્ષીય પુત્ર રાજ અને તેની પત્ની સુશિલાનું તેમજ સાળીના 12 વર્ષીય પુત્ર કાર્તિકનું ઘર નજીક રેલવેની હદમાં બનેલી ગટર માટેના ખાડામાં ડૂબી જવાથી મોત થયું છે.
આ પણ વાંચોઃ ગોંડલના વોરા કોટડા ગામે નદીના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
ફાયરના જવાનો, DYSP સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે
ઘટના અંગે વાપી ટાઉન PI બી. જે. સરવૈયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, બલિઠામાં આ ઘટના રેલવેના ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCL) દ્વારા ગટર માટે ખોદવામાં આવેલા ખાડામાં બની છે. આ ખાડામાં હાલ વરસાદી પાણી ભરેલું હોય તે પાણીમાં બાબુભાઇનો પુત્ર રાજ અને તેની સાળીનો પુત્ર કાર્તિક ન્હાવા પડ્યા હતાં. જેને ડૂબતા જોઈ પુત્ર રાજની માતા બન્નેને બચાવવા ઊંડા પાણીમાં કૂદી પડી હતી. જેમાં ત્રણેય ડૂબી ગયા હતાં.