વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકાના કાર સેવકો અને રામ ભક્તોમાં ગર્વની લાગણી છે કે, કપરાડાની પાર નદીની રેતી આજથી 28 વર્ષ પૂર્વે એટલે કે 6 ડિસેમ્બર 1992ના રોજ કપરાડા-ધરમપુરથી ગયેલા 30 જેટલા કાર સેવકો પોતાની સાથે પાર નદીની રેતી લઇ ગયા હતા. જ્યારે અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંસ કરાઇ ત્યારે રામમંદિર બનાવવા માટે આ રેતી અયોધ્યા લઇ જવાઇ હતી.
આગામી તારીખ 5 ઓગષ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયોધ્યા ખાતે નવનિર્મિત રામ મંદિરનું ખાતમૂહુર્ત કરવામાં આવશે. ત્યારે દરેક હિન્દુઓમાં આ અવસરને લઈને ગર્વની અનૂભુતિ થઇ રહી છે. મંદિરના નિર્માણ અર્થે સમગ્ર ભારતના વિવિધ રાજ્યો અને જિલ્લાઓના ધાર્મિક સ્થળેથી માટી, રેતી, ઇંટ જેવી વસ્તુઓનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરી અયોધ્યા ખાતે મંદિરના બાંધકામ માટે મોકલવામાં આવી રહી છે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાને 28 વર્ષ પૂર્વે જ આ કાર્યનું ગૌરવ પ્રાપ્ત થઈ ચૂક્યું હતું. તમને જાણીને નવાઇ લાગશે, પણ આ વાત સાચી છે. કપરાડા અને ધરમપુર તાલુકાના 30 જેટલા કાર સેવકો રાજેશભાઇ મસરાનીના નેતૃત્વમાં ડિસેમ્બર 1992માં આયોધ્યા ખાતે પહોંચ્યા હતા. જેમાં ધરમપુર તાલુકાના બરૂમાલ, સિંદૂમ્બર, બારોલીયા, ધરમપુર, ચીંચાઈના 28 જેટલા કાર સેવકો સામેલ હતા. જેમાં કપરાડા તાલુકાના આરનાઈ ગામે રહેતા ભગીરથભાઈ પણ તેમની સાથે આયોધ્યા ગયા હતા.
28 વર્ષ પૂર્વે રામમંદિરના કાર્ય માટે ઉપયોગમાં લેવાઈ હતી પાર નદીની રેતી તે સમયે જતા-જતા કાર સેવકો તેમની સાથે અંદાજિત 750 ગ્રામ જેટલી પાર નદીની રેતી પોતાની સાથે આયોધ્યા લઇ ગયા હતા. બાબરી ધ્વંસ થયા બાદ રાત્રી દરમિયાન જ્યારે રાજ્ય મુજબ બાંધકામની કામગીરી કરવા માટે ગુજરાતનો સમય આવ્યો ત્યારે ભગીરથભાઈ પોતાની સાથે લઈ ગયેલી પાર નદીની રેતીને રામ મંદિરના ચણતરમાં ઉમેરી ધન્યતા અનુભવી હતી. ભગીરથભાઈ એ કરેલા આ ભગીરથ કાર્યને લઈ આજે જ્યારે રામ મંદિર બનવા જઇ રહ્યું છે, ત્યારે માત્ર તેઓ નહિ પણ સમગ્ર કપરાડા અને ધરમપુરના રામભક્તો ખૂબ ગર્વ અનુભવી રહ્યા છે.
ભગીરથભાઈ ગાંવીતે કેટલાંક સ્મરણો વાગોળતા ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું કે, તે સમયે ખૂબ ધાર્મિક માહોલ હતો અને દરેક કાર સેવકોમાં કંઈ પણ કરી છૂટવાની ભાવના હતી. અયોધ્યામાં ધરમપુર કપરાડાથી ગયેલા 30 સેવકોએ ત્યાં સેવાકીય કામગીરી બજાવી હતી. ત્યાં વહેલી સવારે ઉઠીને 7 કિમી ચાલીને સરિયું નદીમાં સ્નાન કરવા જવાનું થતું હતું. 6 ડિસેમ્બર 1992ના દિવસે ઉમાભારતી સહિતના દિગ્ગજ નેતાઓના ભાષણ બાદ બપોરે અચાનક લોકો બાબરીના ઢાંચા ઉપર ચડી ગયા અને તોડફોડ મચાવી હતી અને કેટલાંક સ્થળેઓ રામમંદિરના પાયાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. તે સમયે રાજ્યના કાર્યકર્તાઓની કામગીરી માટે ગુજરાતનો નંબર રાત્રે 9 વાગ્યા આવ્યો હતો. ત્યારબાદ ભગીરથભાઈ અને તેમની ટીમ બાંધકામના સ્થળે કમગીરી કરવા પહોંચી અને તે જ સમયે કપરાડાથી સાથે લઇ જવામાં આવેલી પાર નદીની રેતી તેમણે ત્યાં પાયામાં ઉપયોગમાં લીધી હતી.
નોંધનીય છે કે, 28 વર્ષ બાદ વડાપ્રધાન રામમંદિરનું ખાતમૂહુર્ત કરવા જઈ રહ્યા છે. ત્યારે લોકો અલગ-અલગ સ્થળેથી ઇંટ, માટી સહિતની ચીજો મંદિરના બાંધકામ માટે મોકલી રહ્યા છે. જો કે કપરાડા તાલુકો અને વલસાડ જિલ્લાના રામ ભક્તોને એ ગૌરવ પ્રાપ્ત થયું છે. ત્યારે 28 વર્ષ પહેલાં અયોધ્યા રેતી લઈ જનારા કાર સેવકો સહિત રામ ભક્તો ખૂબ ગર્વ અનુભવી રહ્યા છે.