- ઉમરગામ નગરપાલિકામાં 28મી ફેબ્રુઆરીએ ચૂંટણી
- 2 ઉમેદવારો સિવાય તમામ નવા ઉમેદવારો
- 7 વોર્ડના 28 સભ્યોના નામ ભાજપે જાહેર કર્યા
ઉમરગામ: ઉમરગામ નગરપાલિકાની ટિકિટ ફાળવણીમાં ભાજપનો ભાઈ-ભત્રીજાવાદ સપાટી પર આવ્યો હોય એવી ચર્ચા શરૂ થઈ છે. નગરપાલિકાની ચૂંટણીમાં બે ઉમેદવાર રિપીટ કર્યા સિવાય તમામ ચહેરાઓ જૂના જોગીઓના પરિવારમાંથી આવ્યા છે.
અન્ય તમામ ઉમેદવારો નવા નિશાળીયા
ઉમરગામ નગરપાલિકામાં ચૂંટણીનું બ્યુગલ વાગ્યા બાદ ભાજપે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું. ચૂંટણીમાં રિપીટ કરાયેલા ઉમેદવારોમાં વર્ષ 2016 ની ચૂંટણીમાં ચૂંટાયેલા ભાજપનાં વોર્ડ નંબર 3 ના સભ્ય અને ગત ટર્મના પ્રમુખ રામ શબદસિંહ, વોર્ડ નંબર 6 ના આનંદસિંઘ અને અપક્ષ તરીકે વોર્ડ નંબર 2 માંથી જીતેલા તેમજ પાછળથી ભાજપમાં જોડાયેલા ગૌરવ માછીને ભાજપે રિપીટ કર્યા છે. જ્યારે અન્ય તમામ ઉમેદવારો નવા નિશાળીયા છે. ગત ચૂંટણીમાં વોર્ડ 1 માં પાયાના કાર્યકરોની અવગણનાથી ભાજપે તમામ બેઠક ગુમાવી હતી. આ ચૂંટણીમાં પાયાના કાર્યકરોની નારાજગીથી કોંગ્રેસને વગર મહેનતે મોટો ફાયદો થવાની શક્યતા ભાજપના નારાજ કાર્યકરો સેવી રહ્યા છે.