વલસાડઃ બગવાડા નજીક નેશનલ હાઇવે 48 ઉપર કારમાં પોતાના ઘરેથી પરત થઈ રહેલા વાપી GIDC માં ફરજ બજાવતા પોલીસ કર્મીની કારને આતરી અન્ય સ્કોર્પિયો કારમાં આવેલા 10 થી 12 અજાણ્યા ઈસમોએ પાઇપ અને લાકડી વડે હુમલો કરી માર માર્યો હતો. આ ઉપરાંત પિસ્તોલ તાકીને પોલીસકર્મી અને તેના ભાઈને બંધક બનાવી અન્ય કારમાં બેસાડી હુમલાવરો સલવાવ ખાતે છોડી ભાગી ગયા હતા. પોલીસકર્મીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અચાનક બનેલી આ ઘટનાથી પોલીસ બેડામાં ચકચાર મચી છે.
વાપી GIDC પોલીસ મથકમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા ઇન્દ્રજીત સિંહ મધુબા ગોહિલને પથરીનો દુઃખાવો હોવાથી છેલ્લા કેટલાક દિવસથી નોકરી ઉપર સીક લીવ મૂકી પોતાના વતન ભાવનગર ગયા હતા. ગુરૂવારે તેમના ભાઈ કુલદીપ સિંહ સાથે વાપી પરત થઈ રહ્યા હતા, ત્યારે તેમની સ્કોર્પિયો કારની પાછળ અન્ય ત્રણ સ્કોર્પિયો કાર પીછો કરી પારડીથી બગવાડા ટોલ નાકા સુધી દોડી અને તેમની કારને રોકી અન્ય ત્રણ સ્કોર્પિયોમાં આવેલા 10 થી 12 અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો. 10 થી વધુ લોકો તેમના ઉપર લાકડી અને સળિયા લઈ તૂટી પડ્યા હતા તેમને બચાવવા ઉતરેલા તેમના ભાઈને પણ અજાણ્યા ઈસમોએ માર મારીને પિસ્તોલ જેવું હથિયાર બતાવીને બંન્નેને બાનમાં લીધા હતા. તેમની કારને પણ નુકસાન પોહચાડ્યું હતું અને બંન્નેને હથિયાર બતાવીને અન્ય એક સ્કોર્પિયો કારમાં બેસાડી લઈ સલવાવ તરફ લઈ જઈ ત્યાં ફેંકીને જતા રહ્યા હતા.