70માં વન મહોત્સવ દરમિયાન વલસાડ જિલ્લામાં 11,11,111 વૃક્ષોનું પ્લાન્ટેશન કરવામાં આવશે. આ લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે જિલ્લાનો દરેક નાગરિક વૃક્ષારોપણ કરે તે માટે સુચારુ આયોજન કરી લોકોની જરૂરિયાત મુજબના વૃક્ષોનું સમયસર વિતરણ કરવામાં આવશે.
કલેક્ટર સી.આર.ખરસાણે બેઠકમાં કહ્યું કે, વલસાડની દરેક શાળાઓ, મહાશાળાઓ, પી.એચ.સી, સી.એચ.સી, જી.આઇ.ડી.સીમાં મહત્તમ વૃક્ષોનું વાવેતર થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ પ્રત્યેક ગ્રામ પંચાયત વિસ્તારમાં ગૌચરની ખુલ્લી જમીનોમાં પણ એક હજાર વૃક્ષો વાવવા સાથે પ્રકૃતિ પ્રેમીઓ તો આખું વર્ષ દરમિયાન વૃક્ષારોપણ કરતા જ હોય છે. જેમા જિલ્લાનો દરેક નાગરિક જોડાય તો સમગ્ર વલસાડ જિલ્લો વધુ હરિયાળો બની જશે.
સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક એસ.વી.કેદારીયાએ વન મહોત્સવના આયોજન અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ સ્વાધ્યાય મંડળ કિલ્લા પારડી ખાતે યોજાશે. આ ઉપરાંત તાલુકા કક્ષાના 6 અને ગ્રામ્ય કક્ષાના 102 વન મહોત્સવ યોજાશે.
સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 1188 હેક્ટર વિસ્તારમાં 10.50 લાખ રોપાઓ, ઉત્તર વન વિભાગ દ્વારા 1010 હેક્ટર વિસ્તારમાં 6.93 લાખ રોપાઓ, દક્ષિણ વન વિભાગ દ્વારા 1040 હેક્ટરમાં 6.89 લાખ રોપાઓ રોપવામાં આવશે. જ્યારે ખેડૂતો દ્વારા તેમની 521 હેક્ટર જમીનમાં 1.16 લાખ રોપાઓનું વાવેતર કરાયું છે.