વાપીમાં 11 વર્ષની સગીરા પર હવસખોરે આચર્યુ દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ - ડુંગરા પોલીસ
વાપીમાં ગત 7મી ફેબ્રુઆરીએ એક 9 વર્ષની બાળકી પર એક યુવકે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાના હજુ પડઘા શાંત પણ પડ્યા નથી ત્યાંજ ફરી બુધવારે વાપીના ડુંગરા પોલીસ મથકમાં એક 11 વર્ષની સગીરા પર બાજુના ઇસમે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે.
વાપીઃ શહેરના નજીકના ગ્રામ્ય વિસ્તારમાં પોતાની માતાના અવસાન બાદ પિતા સાથે રહેતી એક સગીરા પર તેમના ઘર નજીક રહેતા એક ઇસમે નજર બગાડી હતી. ટીવી સિરિયલ જોવાના બહાને બોલાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું અને તે બાદ અવાવરું જાહેર ટોયલેટમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વાપીના ડુંગરા પોલીસમાં નોંધાઇ છે.
ડુંગરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ હવસખોર ઈસમ બાજુની ઇમારતમાં રહે છે અને 11 વર્ષની સગીરાના પિતા જ્યારે કામ અર્થે બહાર જતા હતા ત્યારે, તેના ઘરે આવી તેને સિરિયલ જોવાના બહાને પોતાના ફ્લેટમાં લાવી દુષ્કર્મ આચરતો હતો. જેમાં ગત રાત્રે આ ઇસમે સગીરાને નજીકમાં જાહેર અવાવરું ટોયલેટમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. જેની જાણ સગીરાએ તેમના પિતા અને સંબંધીઓને કરતા હવસખોર ઈસમ સામે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.