કપરાડાઃ કર્ણાટકથી પ્લાય ભરી જતી ટ્રક કપરાડાના કુંભઘાટ ઉપર વહેલી પરોઢિયે ટ્રકચાલકે સ્ટેરિંગ ઉપર કાબૂ ગુમાવતાં રસ્તા પરથી ઊતરી કાદવમાં ફસાઈ હતી. જેને બહાર કાઢવા રોડ બ્લોક કરીને બંને બાજુ વાહનો અટકાવીને બે ક્રેન વડે તેને બહાર કાઢવાની કામગીરી ઘાટ રોડ ઉપર કરવામાં આવી રહી હતી. જેમાં અનેક વાહન ચાલકોનો લાંબી કતાર રોડની બન્ને તરફ એક એક કિલોમીટર સુધી લાગી હતી. જેમાં એક 108 એમ્બ્યુલન્સ પણ દર્દીનો કોલ આવતાં તેને લેવા કપરાડાથી નીકળી ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી.
કપરાડાના કુંભ ઘાટ નજીક અકસ્માત, રોડ બ્લોકના ટ્રાફિકમાં 1 કલાક સુધી 108 ફસાઈ - ambulances
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભ ઘાટ ઉપર કર્ણાટકથી સામાન ભરીને જતી ટ્રકચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક રોડસાઈડમાં ઉતરી કાદવમાં ખૂંપી હતી. જેને કાઢવા માટે બે ક્રેન દ્વારા રોડ બ્લોક કરીને કામગીરી કરવામાં આવી હતી. જો કે, આ કારણે વાહનોની લાંબી લાઇન લાગી હતી. આ લાઇનમાં દર્દીને લેવા માટે જતી 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ પડી હતી. વાહનોએ સતત 1 કલાક સુધી ઉભા રહેવાની ફરજ પડી હતી. બાદમાં કેટલાક જાગૃત નાગરિકોએ 108 એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો કરી આપવા કહેતાં ક્રેન ખસેડીને રસ્તો કરી આપવામાં આવ્યો હતો.
સતત એક કલાક સુધી એમ્બ્યુલન્સ અહીં જ ટ્રાફિકમાં ફસાઈ રહી હતી. જો કે, કેટલાક જાગૃત વાહનચાલકોએ એમ્બ્યુલન્સને રસ્તો કરી આપવા આજીજી કર્યા બાદ ક્રેન ચાલક ક્રેન ખસેડી અને વાહનોને રસ્તો કરી આપ્યો હતો. મહત્વનું છે કે, સ્ટેટ હાઇવે નાનાપોઢા કપરાડા હોઈ અહીં દર કલાકે 150 વાહનો પસાર થાય છે અને હાઇવે બ્લોક સતત એક કલાક સુધી ક્રેન મૂકીને કરવામાં આવ્યો તો અહીં કપરાડા પોલીસ મથકનો એક પણ પોલીસ કર્મી ફરકયો સુદ્ધાં નહીં. એટલું જ નહીં, જો કોઈ જાનહાનિ બની હોય તો તેની પાછળ જવાબદાર કોણ?
મહત્વનું છે કે, કોઈ પણ હાઇવે હોય તેને બ્લોક કરવા માટે અગાઉથી પરવાનગી લેવાની હોય છે, પરંતુ અહીં તો સ્ટેટ હાઇવે અને એ પણ કુંભ ઘાટ જે જીવલેણ અને અકસ્માતના ઘાટ તરીકે જાણીતો છે ત્યાં વચ્ચોવચ આ કામગીરી કરવામાં આવી રહી હતી અને પોલીસ ગાયબ હતી.