- 172 બુથો માટે EVM સાથે મતદાન મથક ઉપર કર્મચારીઓને કરાયા રવાના
- ધરમપુરમાં પાંચ જિલ્લા પંચાયત અને 24 તાલુકા પંચાયત બેઠક માટે ચૂંટણી યોજાશે
- ભારે વાહનો જઈ શકે નહીં તેવા દુર્ગમ સ્થાન માટે ખાનગી વાહનો નક્કી કરાયા
વલસાડ: રવિવારના રોજ વહેલી સવારે 7 વાગ્યાથી ધરમપુરમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે 172 જેટલા બુથો પરથી મતદાન થશે, જે માટે શનવારે મતદાનની પૂર્વ સંધ્યાએ ધરમપુરના લાલ ડુંગરી ખાતે બનાવવામાં આવેલા રિસિવિંંગ સેન્ટર પરથી 1059 જેટલા કર્મચારીઓને તેમના મતદાન મથકો નક્કી કરી રૂટ ઉપર રવાના કરવામાં આવ્યા હતા. જો કે, એક સાથે આટલા કર્મચારીઓ ભેગા ન થઈ શકતા હોવાથી તે માટે ચૂંટણી અધિકારી દ્વારા બે વિભાગમાં આ કામગીરી કરવામાં આવી હતી.
લાલ ડુંગરી ખાતે બનાવવામાં આવેલા રીસીવિંંગ સેન્ટર આદર્શ નિવાસી શાળામાં તમામ શિક્ષકો આજે રવિવારે મતદાન મથક ઉપર ફરજ બજાવવાના છે. તે તમામ શિક્ષકોએ EVM તેમજ મતદાન મથક ઉપર આપવામાં આવતી તમામ ચીજ વસ્તુઓ મેળવી પ્રથમ ચકાસણી કરી હતી. તેમજ મશીનો પણ ચાલુ છે કે નહીં તે અંગેની પણ ખાતરી કરી લીધા બાદ તેઓ તેમના રૂટ ઉપર ઝોનલ અધિકારીને મળીને રવાના થયા હતા.
ધરમપુરના અંતરિયાળ એવા દુર્ગમ વિસ્તારમાં ઘાટ વાળા રસ્તા હોવાને કારણે અનેક ગામો દુર્ગમ વિસ્તારમાં વસ્યા છે. જેથી આવા સ્થળ ઉપર મતદાન મથક હોવાને કારણે ત્યાં મોટી ST બસો જઈ શકતી નથી, ત્યારે ફરજ ઉપર કર્મચારીઓને લઈ જવા માટે વિશેષ ખાનગી વાહનો મોકલવામાં આવ્યા છે. ધરમપુરમાં કુલ 9 જેટલા મતદાન મથક એવા છે કે જ્યાં આગળ મોટા વાહનો જઈ શકતા નથી, જેમાં ખડકી, કોરવડ, મૂરદડ, હૈદરી, પોન્ધા જંગલ, ખોબા, શિશુમાળ, રાનવેરી,અને ટાંકી ગામનો સમાવેશ થાય છે. જ્યાં ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને લઈ જવા માટે ખાનગી વાહનો મૂકવામાં આવ્યા છે.