- ધરમપુરમાં 100 બેડની વ્યવસ્થા સરકારી હોસ્પિટલમાં કરાશે
- વેન્ટિલેટર અને ICU માટે ખાનગી હોસ્પિટલ સાથે વાટાઘાટ ચાલી રહ્યા છે
- કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે
વલસાડઃધરમપુર શહેર અને તેની આસપાસમાં વધતા જતા કોરોના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ત્યારે અહીંના તમામ દર્દીઓને વલસાડ કે અન્ય હોસ્પિટલમાં સારવાર માટે જવાની ફરજ પડી રહી છે. છતાં ત્યાં બેડ ઉપલબ્ધ નથી. ત્યારે આવી વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા ધરમપુર આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલના ત્રીજા માળે ઓક્સિજનની સુવિધા સાથે કોવિડ સેન્ટર 100 બેડ સાથે ટૂંક સમયમાં શરૂ થશે. જે માટેની તૈયારીને ઓપ આપવામાં આવી રહ્યો છે. હાલ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કેટલાક બેડ નજીક ઓક્સિજન પાઇપલાઇનની સુવિધા છે. અન્ય સ્થળે ઓક્સિજન પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે દર્દીને ઓક્સિજનની જરૂરિયાત હશે, તે દર્દીઓને સારવાર માટે આપવામાં આવશે.
આ પણ વાંચોઃવડોદરાના અટલાદરામાં 500 બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરાઇ
કન્યા છાત્રાલયને કોવિડ કેર સેન્ટર બનાવવા જિલ્લા કલકેટરને માગ
ધરમપુર તાલુકાના હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ ભાઈએ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ધરમપુર અને તેની આસપાસના અનેક લોકો કોરોના પોઝિટિવ છે, પણ જેઓને ઓક્સિજન કે વેન્ટિલેટરની જરૂર નથી. એવા દર્દીઓ માટે 120 બેડ સાથેનું કોવિડ કેર સેન્ટર કુમાર છત્રલાયમાં શરૂ કરવામાં આવશે. જે અંગે વિશેષ માગ સાથે લેખિતમાં જિલ્લા કલેક્ટર આર.આર.રાવલ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જે બાદ 120 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. જે માટે છાત્રાલય બિલ્ડીંગની વિઝીટ માટે ટૂંક સમયમાં વહીવટી તંત્રની ટીમ આવશે. જોકે હાલ ધરમપુર અને તેની આસપાસના લોકોને ધરમપુરમાં જ સારવાર મળે એ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.