વલસાડઃ વલસાડ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ પ્રથમ ચાઈલ્ડ લાઇન જિલ્લા પોલીસ વિભાગના સહયોગથી વલસાડ સિટી વિસ્તારમાં બાળમજૂરી કે ભિક્ષુક તરીકે કામગીરી કરતાં બાળકોને મુક્ત કરાવવા માટે એક વિશેષ ડ્રાઈવ ચાલી રહી છે. જે અંતર્ગત આજે વલસાડ સિટીમાં કામ કરતાં 10 જેટલા બાળકોને મુક્ત કરાવવામાં આવ્યાં છે. તમામ બાળકોને ધરાસના ખાતે આવેલ ચિલ્ડ્રન હોમમાં મોકલવામાં આવ્યાં છે.
વલસાડ શહેરમાંથી મજૂરી કરતાં 10 બાળકોને મુક્ત કરાવાયાં
બાળમજૂરી કોઇપણ દેશ તેમ જ સમાજ માટે કલંકરૂપ કહી શકાય કે, દેશનું ભવિષ્ય કહેવાતાં બાળકોને શિક્ષણ આરોગ્ય સહિતની મૂળભૂત જરૂરિયાતોથી વંચિત કરી જીવન નિર્વાહ માટે નાણાં કમાવા માટે મજૂરી કરવી પડે. દેશમાં કાયદા દ્વારા બાળમજૂરી પર પ્રતિબંધ છે પણ વાસ્તવિક ચિત્ર કંઇક અલગ જ સામે આવતું રહે છે. વલસાડમાં સામે આવેલા સમાચાર પ્રમાણે જિલ્લા બાળસુરક્ષા એકમ દ્વારા પોલીસને સાથે રાખી બાળમજૂરોને મુક્ત કરાવવા માટે ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં 10 બાળકોને મુક્ત કરવામાં આવ્યાં હતાં.
વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં જેવા કે શહીદ ચોક, મચ્છી માર્કેટ, મટન માર્કેટ, ધોબીતલાવ, નાના ટાઈવાડ, રામરોટી ચોક, કલ્યાણી બાગ વિસ્તારમાં મજૂરી કામ કરતા બાળકોને મુક્ત કરાવવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ પ્રથમ ચાઈલ્ડ લાઇન જિલ્લા પોલોસ વિભાગ દ્વારા વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. જેમાં તારીખ 7-9-2020ના રોજ 7 બાળકોને મુક્ત કરાવ્યાં બાદ આજે તારીખ 9-9-2020ના રોજ બાળ સુરક્ષા અધિકારી જેસ્મિન પંચાલ અને પ્રથમ ચાઈલ્ડ લાઇનના કોઓર્ડીંનેટર નિકિતાબહેન દ્વારા આજે 5 જેટલી ટીમ બનાવી વલસાડના વિવિધ વિસ્તારોમાં 10 જેટલા બાળકોને મજૂરી કામ કરતા હોય તેને મુક્ત કરાવવામાં આવ્યાં છે. મુક્ત કરાવાયેલાં બાળકોમાં 2 કન્યા અને 8 કુમારોને મુક્ત કરાવીને હાલ ધરાસણા ખાતે આવેલ ચિલ્ડ્રન હોમમાં મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે, જિલ્લામાં આગામી દિવસમાં પણ બાળમજૂરી કરતાં બાળકોને મુક્ત કરાવવા માટેની કામગીરી કરવામાં આવશે.