- વડોદરા નજીક આવેલી બિલ મેટલ ઈન્ડસ્ટ્રીઝ લી કંપનીના કામદારોએ પગાર પ્રશ્ને કરી હડતાલ
- કંપની ગેટ બહાર ભારે સૂત્રોચ્ચારો કરી વિરોધ નોંધાવ્યો
- કેટલાક રિટાયર્ડ કામદારોએ ના છૂટકે કોર્ટનો સહારો લીધો
વડોદરાઃ શહેર નજીક પાદરા રોડ ભાયલી રેલ્વે સ્ટેશનની પાછળ આવેલી બિલ મેટલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના કામદારોએ બુધવારે પગાર પ્રશ્ને સ્વૈચ્છિક રીતે કામગીરીથી અળગા રહીને હડતાળ કરી હતી. કંપની મેનેજમેન્ટ સામે આક્રોશ ઠાલવ્યો હતો.
વડોદરા પાસે આવેલી બિલ મેટલ ઈન્ડસ્ટ્રીઝ કંપનીના કામદારો પગાર પ્રશ્ને હડતાળ પર ઉતર્યા પગાર,ગ્રેચ્યુઈટી તેમજ પીએફના નાણાં ચૂકવવામાં કંપની મેનેજમેન્ટના ઠાગાઠૈયા શહેર નજીક પાદરા રોડ સ્થિત ભાયલી રેલ્વે સ્ટેશનની પાછળ બિલ મેટલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની આવેલી છે. આ કંપનીમાં છેલ્લા ઘણા વર્ષોથી કામ કરતા 40 કામદારોને હજુ સુધી PF તેમજ ગ્રેચ્યુટીના નાણા નહીં મળતા કંપની મેનેજમેન્ટના કર્મચારીઓ વિરુદ્ધના વલણને પગલે કામ કરતા કામદારો હાલાકીનો ભોગ બન્યા છે. આ ઉપરાંત કેટલાક કામદારો રીટાયર થઇ ગયા હતા, છતાં પણ પેન્શન માટે પણ વલખા મારી રહ્યા છે.
કંપનીમાં ચાલુ કામે અનેક કામદારોને ઈજા પહોંચી છતાં કોઈ સેફટી કે વળતર નહીં આપ્યુ
કેટલાક કામદારોના તો કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યા છે. જ્યારે બીજી તરફ આ કંપનીમાં કામ કરતા કેટલાક કામદારોને ચાલુ કામે ઇજાઓ પહોંચતા તેઓને વળતર પણ ચૂકવવામાં આવતું નથી. 40 વર્ષ જૂની આ કંપની છે. આ અગાઉ પહેલા કંપનીમાં 250 જેટલા કામદારો કામ કરતા હતા. હાલ કંપનીમાં માત્ર 40 કામદારો કામ કરી રહ્યા છે. જ્યારે છેલ્લા ઘણા સમયથી પગાર ગ્રેચ્યુઈટી તેમજ પ્રોવિડન્ટ ફંડના પણ નાણા ન ચુકવાતા કામદારોનો રોષ ભભૂકી ઉઠયો હતો. કામદારોએ સ્વૈચ્છિક રીતે કામ બંધ રાખી હડતાલ પર ઉતરી આવી કંપની મેનેજમેન્ટ સામે આક્રોશ ઠાલવ્યો હતો. કંપની સત્તાધિશોને આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ સત્તાધીશો દ્વારા કેસ કરી દો જે થાય તે કરી લો જેવો ઉડાઉ જવાબ આપતા હોવાના પણ કામદારોએ આક્ષેપ કર્યા હતા.