ટ્રેનમાં કુદરતી હાજતે જવાનું બહાનું બતાવી આરોપી ફરાર થઈ જતા પોલીસ તંત્રમાં દોડધામ વડોદરા:મુંબઈના મલાડમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં વોન્ટેડ આરોપીને મુંબઇ પોલીસે દિલ્હીથી ઝડપી પાડ્યો હતો. તેને લઈને પોલીસ તેજસ એક્સપ્રેસમાં મુંબઈ લઈ જઈ હતી. વડોદરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાં કુદરતી હાજતે જવાનું બહાનું બતાવી આરોપી ફરાર થઈ જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
વોન્ટેડ આરોપીની ધરપકડ:મુંબઈના મલાડમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના અનેક ગુનાઓમાં વોન્ટેડ આરોપી નિશીત શાહી દિલ્હીમાં હોવાની માહિતી મુંબઇ પોલીસને મળી હતી. જેના આધારે મુંબઈ પોલીસની એક ટીમ દિલ્હી ગઇ હતી અને મુંબઈ પોલીસે સ્થાનિક પોલીસને સાથે રાખી આરોપી નિશીતકુમાર શાહીને દબોચી લીધો હતો. મુંબઈ પોલીસ આરોપીને ચુસ્ત જાપ્તા હેઠળ ન્યુ દિલ્હીથી તેજસ રાજધાની એક્સપ્રેસમાં લઇને મુંબઇ તરફ જઇ રહી હતી.
આ પણ વાંચો:Bhavnagar Crime : જાળીયાના ડુંગરામાં વિદેશી દારૂનું કટીંગ ઝડપાયું, સિહોર પોલીસે પાંચ શખ્સની ધરપકડ કરી
કુદરતી હાજતે જવાનું કહીને શૌચાલયમાંથી ભાગી છુટ્યો:ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન આવી પહોંચતા આરોપી નિશીત શાહીએ કુદરતી હાજતે જવાનું પોલીસને જણાવ્યું હતું. જેથી પોલીસ ટ્રેનના શૌચાલયમાં આરોપીને મૂકી શૌચાલય બહાર પહેરો લગાવી રહ્યો હતો પરંતુ,ઠગ નિશીત શાહી ટ્રેનના શૌચાલયની બારીમાંથી નીકળી ફરાર થઈ ગયો હતો અને પોલીસ શૌચાલયની બહાર આરોપી બહાર નીકળે તેની રાહ જોઈને ઉભી રહી હતી. શોચાલયમાં ગયેલ આરોપી લાંબા સમય સુધી બહાર ન આવતા શૌચાલયની બહાર ઉભી રહેલી પોલીસને શંકા ગઈ હતી. જેથી પોલીસે શૌચાલયનો દરવાજો ખખડાવ્યો પરંતુ આરોપીનો વળતો કોઇ જવાબ ન મળતા પોલીસે શૌચાલયની વેન્ટીલેટર બારી પાસે જઈને તપાસ કરતા આરોપી શૌચાલયની બારીના કાચ કાઢી તેમાંથી નીકળી ફરાર થઇ ગયો હતો.
આ પણ વાંચો:MH Zaveri Bazaar Loot: નકલી ED અધિકારીઓએ ફિલ્મી સ્ટાઈલથી 2 કરોડની લૂંટ કરી
પોલીસના જાપ્તામાંથી આરોપી ફરાર: મુંબઇ પોલીસે આરોપી ફરાર થઈ ગયો હોવાની જાણ વડોદરા રેલવે પોલીસને કરતા રેલવે પોલીસે મુંબઈ પોલીસની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી મુંબઇ પોલીસ સાથે તપાસમાં જોડાઇ હતી જોકે ફરાર થઈ ગયેલા નામચીન ઠગ નિશીત શાહી મળી આવ્યો ન હતો. પોલીસે રેલવે સ્ટેશન સ્થિત CCTV ફૂટેજની ચકાસણી કરતા આરોપી ફરાર થઈ રહ્યો હોવાનું જણાઇ આવ્યું હતું. વડોદરા રેલવે સ્ટેશન ઉપરથી મુંબઇ મલાડનો ઠગ નિશીત શાહી ફરાર થઈ ગયો હોવાની વાત પોલીસ તંત્રમાં પ્રસરી જતાં ચકચાર મચી ગઇ હતી. આ આરોપી ઘણા સમયથી વોન્ટેડ હતો અને ઝડપાયો ત્યારે પોલીસને ચકમો આપી પુનઃ ફરાર થઇ ગયો હતો.