- વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી વિવાદમાં
- વડોદરા સિક્યુરિટી કર્મી દર્દીના સંબંધીને ફટકારતો હોવાનો કથિત વીડિયો થયો વાઇરલ
- પોતાના પર કાબુ ગુમાવી દંડાથી સંબંધીને ફટકારતા સિક્યુરિટી કર્મી વીડિયોમાં દેખાય છે
વડોદરાની સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની દાદાગીરીનો વધુ એક શર્મનાક વીડિયો સામે આવ્યો - સયાજી હોસ્પિટલ
વડોદરાની સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની દાદાગીરીનો વધુ એક શર્મનાક વીડિયો સામે આવ્યો છે. સિક્યુરિટી ગાર્ડે દર્દી સાથે આવેલા સંબંધીને લાકડી વડે ફટકારતાં વીડિયો વાઇરલ થયો હતો, જે બાદ નગરજનોમાં રોષની લાગણી પ્રવર્તી છે.
વડોદરાઃ શહેરની સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની દાદાગીરીનો વધુ એક શર્મનાક વીડિયો સામે આવ્યો છે. સિક્યુરિટી ગાર્ડે દર્દી સાથે આવેલા સંબંધીને લાકડી વડે ફટકારતાં વીડિયો વાઇરલ થયો હતો, જે બાદ નગરજનોમાં રોષની લાગણી પ્રવર્તી છે.
મહિલા આજીજી કરતી રહી પણ સિક્યુરિટી કર્મીઓ એ દંડાવળી ચાલુ જ રાખી
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના વિવિધ વિભાગોમાં શાસકોના માનીતા એવા દિપક નાકરાણીનો કોન્ટ્રાક્ટ કાર્યરત છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ સફાઈ કર્મચારીઓ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડ પણ ફરજ બજાવે છે. કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે છેલ્લા ઘણા સમયથી સયાજી હોસ્પિટલની છબી ખરડાઇ રહી છે, કારણ કે, થોડા દિવસો અગાઉ યુનિફોર્મમાં સજ્જ સિક્યુરિટી ગાર્ડ દારૂના ગુનામાં કારેલીબાગ પોલીસના હાથે ઝડપાયો હતો. આ ઉપરાંત એમ્બ્યુલન્સ ચાલકો જાહેરમાં દારૂ પીતા પણ નજરે ચડે છે અને તેના કારણે છાશવારે સર્વન્ટ સહિતના બુટલેગરો પ્રોહિબિશનના ગુનામાં ઝડપાઇ ચૂકયા છે. તેમ છતાં પણ પ્રવૃત્તિઓ યથાવત છે. આ અંગે રાજ્ય સરકાર વહેલી તકે એક્શન લે તેવી લોક માગ ઉઠી રહી છે, ત્યારે બુધવારે વધુ એક શર્મનાક કિસ્સો સામે આવ્યો છે.
એસએસજી હોસ્પિટલમાં કઈ ને કઈ ખોટું ચાલી રહ્યું છે એવું લોકોનું કહેવું છે
દર્દીને લઇને સયાજી હોસ્પિટલ પહોંચેલા સંબંધીને સિક્યુરિટી ગાર્ડે દંડા વડે ફટકારતો વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી છે. આ વીડિયોમાં સંબંધી એક મહિલા સાથે સયાજી હોસ્પિટલના સર્જીકલ બિલ્ડીંગ પાસે ઉભો હતો. તે દરમિયાન કોઈક કારણોસર બોલાચાલી થતાં મગજ પરથી કાબુ ગુમાવી બેઠેલા સિક્યુરિટી ગાર્ડે કાયદો હાથમાં લઈને યુવકને દંડા વડે ફટકાર્યો હતો. યુવક કણસી રહ્યો હતો અને મહિલા મદદ માટે બૂમો પાડી રહી હતી. તેમ છતાં પણ નિર્દયી ત્રણ જેટલા સિક્યુરિટી ગાર્ડ લાફા અને દંડા ફટકારતા રહ્યા હતા.વધુમાં બાકી હોય તેમ અન્ય એક સિક્યુરિટી ગાર્ડ સંબંધી સાથે આવેલા અન્ય એક યુવકને મારવા માટે પાછળ દોડતો વીડિયોમાં નજરે ચડી રહ્યો છે.આ વિડીયો પરથી સયાજી હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડીની વાસ્તવિકતા છતી થાય છે, અગાઉ સિક્યુરિટી ગાર્ડ દ્વારા મીડિયા કર્મીઓ સાથે પણ અણછાજતું વર્તન કર્યું હોવાના કિસ્સા સામે આવ્યા છે.