- ભરતી કૌભાંડ મામલે મુખ્યપ્રધાન અને શિક્ષણપ્રધાનને રજુઆત કરી
- એમ.એસ.યુ.માં ભરતીનો વિવાદ વકર્યો
- સરકાર નિયુક્ત સેનેટ સભ્યો અને સિન્ડિકેટ સભ્યોની સાવલીના ધારાસભ્યની મુલાકાત
- ધારાસભ્ય, સિન્ડિકેટ અને સેનેટ સભ્યો ગાંધીનગર પહોંચ્યા
વડોદરા: સરકાર દ્વારા નિયુક્ત સેનેટ મેમ્બર ડો.દિલીપ કટારીયા અને પ્રો.સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલા, સહિતનું પ્રતિનિધિ મંડળ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર(MLA Ketan Inamdar)ની મુલાકાત લીધી હતી. તેમની સમસ્યા મુદ્દે રજુઆત કરી હતી. એમએસ યુનિવર્સીટી(MS University)માં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિઓ બાબતે વ્હાલાદવલાની નીતિથી ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ધારાસભ્ય કેતન ઈનામદારને રજુઆત કરી હતી.
એમએસ યુનિવર્સિટીમાં સગાવાદ અને ભ્રષ્ટાચાર
એમએસ યુનિવર્સિટીમાં તાજેતરમાં કરવામાં આવેલી શૈક્ષણિક ભરતી(Academic recruitment) તેમજ બિનશૈક્ષણિક ભરતીમાં યુનિવર્સીટી સત્તાધિશો દ્વારા સગાવાદ અને ભ્રષ્ટાચાર આચરાયો છે. જે બાબતે સિન્ડિકેટ સભ્ય ડો.દિલીપ કટારીયા, હસમુખ વાઘેલા અને ચેતન સોમાણી દ્વારા યુનિ.રજિસ્ટ્રાર પાસે ઉમેદવારોની જરૂરી વિગતો માગવામાં આવી હતી. જે વિગતો આપવાની ના પાડવામાં આવતા જ આજે ત્રણેય સિન્ડિકેટ સભ્યો ઉપરાંત સરકાર નિયુક્ત સેનેટ સભ્યો સાવલીના ધારાસભ્ય અને સરકાર નિયુક્ત સેનેટ સભ્ય કેતન ઇનામદારને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
ત્યારબાદ કેતન ઇનામદાર પણ સિન્ડિકેટ અને સેનેટ સભ્યો સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. આ ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને લેખીત તેમજ મૌખીક રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં ભરતીમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર અને સગાવાદ(Corruption and nepotism)ના પુરાવા પણ આપવામાં આવ્યા હતા.