વડોદરા: શહેર નજીક બરોડા ક્રિકેટ એસોશિયેશન (BCA) દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાના નવા ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કાર્ય હાલ પૂરજોશમાં જોવા મળી રહ્યું છે. આ સ્ટેડિયમ વડોદરા-હાલોલ હાઇવે પર કોટંબી ગામ પાસે બની રહ્યું છે અને તેનું કામ 90 ટકા પૂર્ણ થઇ ગયું છે. તેમજ આગામી જૂન 2023 બાદ તેના પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ પણ આયોજીત કરી શકાશે.
BCCI 100 કરોડ રૂપિયા આપશે:બરોડા ક્રિકેટ એસોશિયેશનના ઉપપ્રમુખ શીતલભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, BCAનો આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ માટે જમીન ઘણા સમય પહેલા લેવાઇ ગઇ હતી પણ કામ શરૂ થયું ન હતું. માર્ચ 2021માં કોટંબી ખાતે સ્ટેડિયમ બનાવવાનું કામ શરૂ કર્યું છે. જે જૂન 2023માં કામ પૂર્ણ થવાની શક્યતા છે. જે ઝડપથી કામ ચાલે છે એ પ્રમાણે અમે સમયસર ક્રિકેટ રસીકોને સ્ટેડિયમ આપી શકીશું. આ સ્ટેડિયમ માટે અંદાજીત ખર્ચ 220 કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે. જેમાં BCCI 100 કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સબસિડીના ભાગરૂપે BCAને આપશે. જે રકમ તબક્કાવાર અમને મળવાની શરૂ થઇ ગઇ છે. 2023માં આંતરરાષ્ટ્રીય મેચ રમાવાની શક્યતા છે.
મેદાનની કામગીરી પૂર્ણતાને આરે:વધુમાં જણાવ્યું કે IPLની મેચ જે-તે ફ્રેન્ચાઇઝી તેના શહેરમાં જ વધુ મેચ રમાડતી હોય છે. એટલે IPLની કોઇ ટીમ આપણી સાથે ટાઇઅપ કરે અને વડોદરામાં મેચ રમાડે એ ટીમની ફ્રેન્ચાઇઝી પર નિર્ભર હોય છે. પરંતુ ICCની વન ડે મેચ 2023માં વડોદરામાં રમાશે એવી અમને ચોક્કસ આશા છે. મેદાન સંપૂર્ણ તૈયાર, સ્ટેડિયમની બેઠક અને ફર્નિચરનું કામ જારી કોટંબી સ્ટેડિયમનું 90 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. તેમાં ખેલાડીઓને રમવા માટેની પીચ સહિતનું મેદાન સંપૂર્ણ રીતે તૈયાર છે. હાલ સ્થાનિક મેચો યોજાય છે. હવે માત્ર સ્ટેડિયમાં બેઠક વ્યવસ્થા અને ફર્નિચરનું કામ જારી છે. જે પણ આગામી જૂન મહિના સુધીમાં પૂર્ણ થઇ જશે.