વડોદરા :સરકારી જમીન પર બનેલા વ્હાઇટ હાઉસ બંગલાનો વિવાદને લઈ આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મામલતદાર દક્ષિણ દ્વારા બંગલો તેમજ અન્ય બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મામલતદાર દક્ષિણે જમીન પર કરેલા બંગલાનું દબાણ તોડી પાડવા આપેલી નોટિસનો પિરિયડ પૂરો થઈ ગયો હતો. 100 કરોડની સરકારી જમીન પર બાંધેલો વ્હાઇટ હાઉસ બંગલાનું દબાણ દૂર કરવા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સરકારી દબાણ પર બુલડોઝર :દબાણો તોડવા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમની મદદ લેવામાં આવી રહી છે. આ દબાણને લઈ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સૌ પ્રથમ વ્હાઇટ હાઉસ બંગલાનું દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે તબક્કાવાર દૂર કરશે. વ્હાઇટ હાઉસ બંગલા બાદ કાનન વિલા સાઇટના પણ બાંધકામના દબાણો દૂર કરવામાં આવશે. ભૂ માફીયાઓ દ્વારા બોગસ NA હુકમને આધારે વ્હાઇટ હાઉસ બંગલો બાંધી દેવાયો હતો. બંગલાની બાજુની સરકારી જમીન પર પણ ડુપ્લેક્સની સ્કીમ મૂકી દસ્તાવેજ કરવામાં આવ્યા હતા. આજે તમામ આરોપીઓ જેલ હવાલે કરાયા છે અને આ સરકારી દબાણ પર બુલડોઝર ફરી વળશે.
શું હતો મામલો :વડોદરા શહેરના દંતેશ્વરમાં 100 કરોડની સરકારી જમીન કૌભાંડમાં ગેરકાયદેસર પોતાના નામે કરી વૈભવી બંગલો બનાવ્યો હતો. મકાનોની સ્કીમ પાડનાર આરોપી સંજયસિંહ પરમાર શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિમાન્ડ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હતો. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ જમીન પચાવી પાડવાના મામલે શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. તેના પર પોતાનો વૈભવી બંગલો ઉપરાંત ટેનામેન્ટની સ્કીમ બનાવવાનો બહુચર્ચિત કૌભાંડની તપાસમાં ચોકાવનારી વિગતો બહાર આવી હતી.
53 સબ પ્લોટ પાડી વેચાણ કર્યું :શરૂઆતથી જ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ આ જમીન કૌભાંડ મામલે તપાસ કરી હતી, ત્યારે પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન કૌભાંડી સંજયસિંહ પરમાર સરકારી જમીન પર 53 સબ પ્લોટ પાડી તેનું વેચાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. જેમાં વિવિધ ગ્રાહકો પાસેથી બેથી ત્રણ કરોડ રૂપિયાની રકમ મેળવી હોવાનું પણ બહાર આવ્યું છે. સાથે જ સહ આરોપી શાંતાબેનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હજુ પણ બે દિવસના રિમાન્ડ દરમિયાન નવા ખુલાસા થઈ શકે છે.