વડોદરાઃ ગુજરાત વિધાનસભાની સૌથી મહત્વની બેઠક અને સૌથી રસાકસી વાળી બેઠક એટલે વાઘોડિયા વિધાનસભાની બેઠક. આ બેઠક પર 14 હજારથી વધુ મતો મેળવીને અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિજયી બન્યા હતા. અત્યારે ગુજરાતના રાજકારણમાં ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલા પોતાના પદ પરથી રાજીનામું આપીને ભાજપમાંથી ફરીથી ચૂંટણી લડે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જેના લીધે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
વાઘોડિયા બેઠક અગત્યનીઃ લોકસભાની ચૂંટણીઓની સાથે વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ યોજવાની સંભાવના છે. ભાજપાની એક ખાસ ટીમદ્વારા ગુજરાતમાં કોંગ્રેસ, આમ આદમીપાર્ટી તેમજ અપક્ષમાંથી ચૂંટાયેલા ધારાસભ્યોને ભાજપામાં લાવવા માટે કવાયત પણ શરૂ કરી દેવાઈ છે. જેના માટે ધારાસભ્યોને પેટા ચૂંટણીમાં ટિકિટની ખાતરી આપવામાં આવી રહી છે. ભાજપાની ટીમે આ રણનીતિનો પ્રથમ ઉપયોગ વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ચૂંટાઈ આવેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર કર્યો હોવાની ચર્ચા થઈ રહી છે. અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ગમે ત્યારે વાઘોડિયા બેઠક ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આજે તેઓ એ વડોદરા નજીક એક ફાર્મ હાઉસમાં પોતાના ટેકેદારો, કાર્યકરો સાથે બેઠક પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ બેઠકમાં તેમના સમર્થકોએ પણ ભાજપામાં જોડાવા માટેની લીલી ઝંડી આપી દીધી હોવાનું કહેવાઈ રહ્યું છે. હવે તેઓ અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાશે અને ભાજપ માંથી ટિકિટમેળવીને વાઘોડિયા બેઠક ઉપર જ પેટા ચૂંટણીમાં ઝંપલાવશે તેવી શક્યતા છે.