વડોદરા :આજના સમયમાં લોકો દેશ કરતા વિદેશમાં જવાનું વધુ પસંદ કરી રહ્યા છે, ત્યારે અમેરિકા મોકલવાની લાલચ આપી મહેસાણાના ઉવારસદના એક યુવક સાથે 55 લાખની છેતરપિંડી કરનાર આરોપી ભાવેશ ઘનશ્યામ વાળંદને વડોદરાથી સયાજીગંજ પોલીસે ઝડપી લીધો છે.
બોગસ નામ ધારણ કરી ઠગાઈ કરતો :મળતી માહિતી મુજબ ઝડપાયેલા આરોપી અંગે તપાસ કરતા આ આરોપી મહેસાણામાં નકલી આંગડિયા પેઢી શરૂ કરી હતી. પોતાનું નામ હિતેશ પાટીલ હોવાનું જણાવતો હતો. એટલું જ નહીં આરોપી ભાવેશે વડોદરામાં પણ સાત લોકો સાથે ઠગાઈ કરી હતી. તેમજ અમદાવાદમાં 1 કરોડ 34 લાખની રોકડ સાથે ઝડપાયો હતો. આ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેને આખરે સયાજીગંજ પોલીસે ઝડપી પાડ્યો છે.
વિશ્વાસ આવતા પૈસા જમા કરાવ્યા :મહેસાણાના ઉવારસદ ગામના પ્રવીણ પટેલ શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વર્ષ 2021માં યુક્રેનમાં ધંધા અર્થે ગયા હતા. જ્યાંથી પરત આવતા સમયે તુર્કી અને યુક્રેનના યુવકો સાથે મિત્રતા થઈ હતી. જેમાં પ્રવીણ પટેલને અમેરિકા જવાની ઈચ્છા થતા નવા બનાવેલા મિત્રો દ્વારા હિતેશ પાટીલ (અસલી નામ ભાવેશ વાળંદ) નામના એજન્ટ સાથે પરિચય થયો હતો. પ્રવિણ પટેલે એજન્ટ સાથે અમેરિકા જવાની વાત કરતા 55 લાખમાં સમગ્ર ડીલ નક્કી કરવામાં આવી હતી. ફરિયાદી પ્રવીણ પટેલે આ બાબતે વિશ્વાસ ન આવતા તેમણે મહેસાણા રોડ પર આવેલ સરદાર પટેલ સંકુલમાં બનાવેલ આર.એમ.એન્ટરપ્રાઈઝ નામની પેઢી જોઈ તેમાં બેસેલા કર્મચારીઓની મુલાકાત લીધી હતી. બાદમાં વિશ્વાસ જતા તેણે મહેસાણાની પેઢીમાં ગત 5 ઓગસ્ટે 55 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.
આ પણ વાંચો :Ahmedabad Crime News : TMT સળિયાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર ઝડપાયો
ઠગોએ ભેગા મળી ઠગાઈ કરી: 54 લાખ જમા કરાવ્યા બાદ એજન્ટે કહ્યું કે, તમારી 6 ઓગસ્ટના રોજ ફ્લાઈટ કન્ફર્મ છે. ત્યારબાદ એજન્ટોને મોબાઈલ બંધ થઈ ગયા હતા. જ્યાં ફરિયાદી વારંવાર કોલ કરતા એજન્ટોએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. સમગ્ર મામલે ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થયાની શંકા જતા તેણે એજન્ટની તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, તેમણે 55 લાખ જમા કરાવ્યા તે પેઢી નકલી છે. એજન્ટોમાં પ્રશાંત જે. સોની પણ ઠગ છે. અન્ય એજન્ટ જેઓ તેને હિતેશ પાટીલ તરીકે ઓળખે છે તે ખરેખરમાં વડોદરાનો ઠગ ભાવેશ ઘનશ્યામ વાળંદ છે, ત્યારબાદ ભોગ બનનાર યુવકે મહેસાણા બી ડિવિઝન પોલીસમાં ઠગાઈ કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો :Surat Crime : પિતાના નામ પર દીકરાએ પાણી ફેરવ્યું, હીરાની છેતરપિંડીમાં ઝડપાયો
કેેવી રીતે ધરપકડ: આ અંગે સયાજીગંજ પોલીસને બાતમી મળી હતી કે, ઠગાઇનો આરોપી ભાવેશ વાળંદને (રહે. પુષ્પમ હાઇટ્સ, વડોદરા) કાલાઘોડા રામજી મંદિર પાસેથી ઝડપી લીધો હતો. ભાવેશ મૂળ વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા ગામના વાળંદ ફળિયાનો રહેવાસી છે. ભાવેશે વર્ષ 2021માં વડોદરામાં પણ 7 લોકોને વિદેશ જવાની લાલચ આપી તેમની પાસેથી 9.47 લાખ પડાવ્યા હતા. જે અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સાથે ફેબ્રુઆરી 2021માં પણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ભાવેશ વાળંદ રોકડા 1 કરોડ 34 લાખ સાથે રામોલ વિસ્તારમાં ઝડપાયો હતો. આ સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ હાલમાં વધુ તપાસ હાથ ધરી છે.