વડોદરા : ગરીબો માટે આશીર્વાદરૂપ ગણાતી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલનો વહીવટ ફરી વિવાદે ચડ્યો છે. SSG માં 'સબ સલામત'ના દાવા કરતા સત્તાધીશોના અણગઢ વહીવટને કારણે ટીબી અને ફેફસાની બીમારીથી પીડાતા દર્દીઓને પારાવાર પરેશાની સહન કરવી પડી રહી છે. SSGમાં આવેલ ટીબી વિભાગમાં છેલ્લા 6 મહિનાથી લિફ્ટ બંધ છે. જોકે સયાજી હોસ્પિટલમાં સુવિધાઓના બણગા ફુંકાતા સત્તાધીશોની આંખ ઉઘાડતો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં ઓક્સિજન માસ્ક સાથે દર્દીને સીડીઓ ચડી બીજા માળે જાય છે.
સાતધીશો માટે શરમજનક બાબત :વડોદરા SSG હોસ્પિટલમાં સારવાર અર્થે વિવિધ શહેર અને અન્ય રાજ્યમાંથી દર્દીઓ આવતા હોય છે. જેમાં ખાસ કરીને ફેફસાંની બીમારીથી પીડાતા દર્દીને બે માળ ઉપર ચઢવા માટે ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ દર્દીઓની મુશ્કેલી પોતાની બીમારી તો છે પરંતુ સાથે લિફ્ટ બંધ હોવાથી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફેફસા અને ટીબી જેવી બીમારીથી પીડાતા લોકોને ઓક્સિજનની જરૂર હંમેશા રહેતી હોય છે, ત્યારે આ લિફ્ટ બંધ હોવાના કારણે દર્દીઓને ઓક્સિજન બોટલ અને માસ્ક સાથે સીડીઓના કપરા ચઢાણ ચડવા પડી રહ્યા છે. તે ખુબ જ ગંભીર બાબત ગણવામાં આવે છે.
શું છે ફરીયાદ : દર્દીના સ્નેહીએ જણાવ્યું કે, ખુબ જ તકલીફ પડે છે માંડ માંડ ચડાય છે, દર્દીને લઈને ચડવામાં બહુ તકલીફ પડી રહી છે. ટ્રીટમેન્ટ અમે જ્યારે અમારા સગાને લાવ્યા ત્યારે ઉંચકીને ઉપર ચડાવ્યા હતા. બહુ તકલીફ પડી રહી હતી. અમને કામ કરનાર મહિલાએ જણાવ્યું કે, આ ટીબી વોર્ડ છે. તકલીફ તો પડે છે. 6 મહિનાથી લિફ્ટ બંધ છે. કેટલીય વાર રજૂઆત કરી છે, લેખિતમાં પણ ઘણી બધી વાર જણાવ્યું છે તો પણ નથી મેળ પડતો.