વડોદરામાં અડધી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી લેતા લોકોની નીંદર ઉડી વડોદરા : એક દિવસના વિરામ અને અસહ્ય ઉકળાટ બાદ શહેરમાં મોડી રાત્રે 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. મેઘરાજાની એકાએક એન્ટ્રીથી શહેરીજનો અડધી રાત્રે જાગી ગયા હતા. મોડી રાત્રે શરૂ થયેલ વરસાદ સવારે 6 વાગ્યા સુધીમાં 4 ઇંચ જેટલો ખાબક્યો હતો. જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદને પગલે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીની સપાટીનું જળસ્તર 14 ફૂટે પહોંચ્યું હતું. જો કે હાલમાં વરસાદના વિરામ બાદ સપાટીમાં અંશતઃ ઘટાડો થઈ 12.23 ફૂટે પહોચી ગયું છે, જ્યારે આજવા સરોવરનું જળ સ્તર 209.90 ફૂટે પહોચ્યું છે.
4 કલાકમાં 4 ઇંચ :પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા પ્રમાણે વડોદરામાં મોડી રાત્રે શરૂ થયેલા વરસાદ 4 કલાકમાં 4 ઇંચ જેટલો ખાબક્યો હતો. જેમાં વડોદરામાં ગત સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં 98 મિમી, પાદરા તાલુકામાં 49 મિમી, વાઘોડિયા તાલુકામાં 08 મિમી, ડભોઇ તાલુકામાં માત્ર 03 મિમી વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે વડોદરા શહેર અને પાદરા તાલુકામાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ ગઇ હતી. સાથે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા.
પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાયા :રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વડોદરામાં ગત મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેના પગલે શહેર અને જિલ્લાના પાદરા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ વણસી હતી. આ વરસાદમાં લોકોની ઊંઘ અડધી રાત્રે બગડી હતી, તો કેટલાક લોકો વહેલી સવારે ઉઠી જોતા લોકોના ઘર આંગણે સુધી પાણી ભરાયા હતા. ભરાયેલા પાણીમાં થઈને પસાર થવું પડ્યું હતું. મુશળધાર વરસાદ વરસતા શહેરના પશ્ચિમ વિસ્તારમાં કેટલીક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી.
ક્યાં ક્યાં પાણી ભરાયા :વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરવાની સ્થિતિ યથાવત છે, ત્યારે ગત રોજ વરસેલા વરસાદના કારણે શહેરના રાવપુરાના મચ્છીપીઠ, હાર્ડ સમા માંડવી, દાંડિયાબજાર, અલકાપુરી સ્ટેશન ગરનાળા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સાથે શહેરના પશ્ચિમ વિસ્તારમાં સારાભાઈ સોસાયટીમાં પાણી ભરાઇ ગયા હતા. આ ઉપરાંત શહેરના સ્લમ વિસ્તારો તુલસીવાડી, કમાટીપુરા, પરશુરામ ભઠ્ઠા, નવાયાર્ડ રોશનનગર, આજવા રોડ, ખોડીયારનગર, વડસર, ગોત્રી, ઇસ્કોન મંદિર સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
વિશ્વામિત્રી અને આજવાની સ્થિતિ :વરસાદના પગલે શહેરના મધ્યમથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પણ પાણીના જળસ્તરમાં વધારો જોવા મળ્યો હતો. વિશ્વામિત્રી નદીમાં 14 ફૂટે શહેરના કલાઘોડા ખાતે વહેતી હતી જે હવે 12.23 ફૂટ અને આજવા સરોવર હાલમાં 209.90 ફૂટે વહી રહ્યું છે. શહેરમાં વિશ્વમિત્રીની ભયજનક સપાટી 26 ફૂટ છે જે જળમાં કોઈ પણ પ્રકારની સ્થિતિ વણસે તેવી શક્યતાઓ નથી. હાલમાં શહેરમાં પડેલા વરસાદના પગલે પાણીજન્ય રોગચાળાની સ્થિતિ પણ વધી જોવા મળી રહી છે. જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.
- Porbandar rain : પોરબંદર જિલ્લો જળમગ્ન બન્યો, 1400 લોકોને કરાયા સ્થળાંતર
- Rajkot Rain: ઉપલેટા પંથકમાં વરસાદી પાણીએ ખેતીની પથારી ફેરવી નાખી, ખેતરો નદી તળાવમાં ફેરવાયા
- Junagadh Rain : કેશોદમાં વરસાદી પાણીની સમસ્યા, 12 મહિનાના અનાજ પર પાણી ફરી વળતા સ્થાનિકોમાં રોષ