વડોદરા : શહેરના તાંદલજા વિસ્તારને હોટ-સ્પોટ તરીકે જાહેર કરાયું છે. જેથી વિસ્તારમાંથી થતી ગતીવિધિ પર 24 કલાક વોચ રાખી શકાય તે માટે રિમોટ સંચાલિત હાઈડ્રોજન બલુન આકાશમાં છોડવામાં આવ્યું છે. આ બલુનની હાઈટ લગભગ 8 ફૂટની છે. તેના પર લાઉડ સ્પીકર, બે કેમેરા અને પોલીસની ફ્લેશ લાઈટ લગાવવામાં આવી છે. હાલના ધોરણે માત્ર એક હાઈડ્રોજન બલુન તાંદલજા ખાતે છોડવામાં આવ્યું છે.
આગામી દિવસોમાં બલુનની સંખ્યા વધારાવામાં આવશે. આ અંગે ડીસીપી સંદિપ ચૌધરીએ જણાવ્યું હતું કે, હાઈડ્રોજન બલુનમાં બે હાઈ ડેફિનેશન નાઈટ વિઝિન કેમેરા છે. તેના પર ચાર કેમેરા પણ લાગી શકે છે, અમે ડ્રોનની મદદથી પણ વિસ્તાર પર નજર રાખી રહ્યાં છીએ, પરંતુ ડ્રોન 15થી 20 મિનિટ સુધી સતત ફ્લાઈ કરી શકે છે. ડ્રોન ઉડે ત્યારે લોકો સાઈડ પર જતાં રહે છે. જેના કારણે કેમેરામાં કેદ થતાં નથી. જ્યારે હાઈડ્રોજન બલુનની વિશેષતા એ છે કે, તેને એક વખત ચોક્કસ હાઈટ પર ફિક્સ કર્યા બાદ વારંવાર નીચે ઉતારવું પડતું નથી.