વડોદરા: વડોદરા શહેરના કમાટીબાગ રોડ ઉપર ધૂમ સ્ટાઈલથી સ્પોર્ટ્સ બાઈક ચલાવતા બે સ્ટંટબાજોને સયાજીગંજ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને સયાજીગંજ પોલીસ મથકના પીઆઈ આર.જી. જાડેજાની સૂચનાના આધારે આ વિસ્તારમાં પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન કમાટી બાગ રોડ ઉપર બે સ્પોર્ટ્સ બાઈક ચાલકોએ જાહેર રસ્તા ઉપર પોતાની અને અન્ય વાહન ચાલકોની જિંદગી જોખમાય એ રીતે પૂરઝડપે બાઈકો ચલાવતા હતા. જેની જાણ થતાં જ આ બંને શખસને સયાજીગંજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી લીધા છે.
ઓળખ છુપાવવાનો પ્રયાસ:વડોદરા શહેરમાં સાયાજીગંજ કમાટીબાગ પાસે વાઇરલ વીડિયોમાં બે યુવકો ઓળખ ન થાય એ માટે સસલાના માસ્ક પહેરી રોડ ઉપર પૂરપાટ ઝડપે અને જોખમીરીતે સ્પોર્ટ્સ બાઈક ચલાવતા નજરે પડ્યાં હતાં. જાણે કે આ બંને યુવકોએ કોઈક રેસમાં ભાગ લીધો હોય તેવું જણાઈ આવતું હતું. પરંતુ જાહેર માર્ગ ઉપર અન્ય વ્યક્તિઓને નુકસાન પહોંચાડે અને લોકોના જીવના જોખમરૂપ બાઈક હંકારતા નજરે પડ્યાં હતાં. તાજેતરમાં જ પોલીસે જાહેરનામું પણ બહાર પાડ્યું છે કે, લોકોને અડચણરૂપ અને સ્ટંટ કરીને વાહનો ચલાવતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, છતાં પણ આજના યુવકો ઓવર કોન્ફિડન્સમાં આવીને આવા સ્ટંટ ઊભા કરતા હોય છે.