વડોદરા: નેશનલ હાઇવે નંબર-48 પર 4 ફેબ્રુઆરીએ PCR વાન અને પોલીસકર્મીઓ ઉપર હુમલો કરીને મુદ્દામાલ સાથેના ટ્રેલરની લૂંટ થઇ હતી.આ બનાવમાં ક્રાઇમ બ્રાંચે લૂંટમાં સંડોવાયેલી ગોધરાની તાડપતરી ગેંગના 6 સાગરીતોને રૂપિયા 22.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા પોલીસે લૂંટ કરતી તાડપતરી ગેંગને ઝડપી પાડી
વડોદરામાં નેશનલ હાઇવે નંબર-48 પર 4 ફેબ્રુઆરીએ વહેલી સવારે PCR વાન અને પોલીસકર્મીઓ ઉપર હુમલો કરીને મુદ્દામાલ સાથેના ટ્રેલરની લૂંટ થઇ હતી.
આ બનાવની ફરિયાદ મકરપુરા પોલીસ મથકમાં નોંધાઇ હતી.આ બનાવ અંગે ક્રાઇમ બ્રાંચના PI જે.જે. પટેલ, PSI,એ.આર.ચૌધરી,જી.કે. ચાવડા સહિતના સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે તાડપતરી ટોળકીના 6 સાગરીતોની ધરપકડ કરી છે.
પોલીસે ટોળકી દ્વારા લૂંટવામાં આવેલ ટ્રેલર સહિત રૂપિયા 22,88,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલી ટોળકીના 7 ઈસમોનેે વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. DCP જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,લૂંટના ગુનામાં ઝડપી પાડવામાં આવેલી ગોધરાની તાડપતરી ટોળકીના તમામ સાગરીતો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.જેમાં મકરપુરા અને પાણીગેટ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલાયા છે.આ ઉપરાંત ટોળકી પાસેથી એક ડાયરી મળી આવી છે.જેમાં વિવિધ ટ્રકોના નંબરો મળી આવ્યા છે.જે નંબરોનો ઉપયોગ કરીને ટોળકી દ્વારા લૂંટને અંજામ આપતા હોવાની વિગતો તપાસમાં બહાર આવી છે.