વડોદરાઃ શહેરના બગલામુખી મંદિરના નામે લોકોને છેતરતા તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયના એક બાદ એક કરતુતોનો પર્દાફાશ થઇ રહ્યો છે. તાજેતરમાં જ પ્રશાંત સામે 21.80 લાખની છેતરપીંડીનો ગુનો નોંધાયો હતો. પ્રશાંતનો ભોગ બનેલા તેના જ અનુયાયીઓ હવે એક બાદ એક સામે આવી રહ્યા છે, ત્યારે પાખંડી પ્રશાંત સામે મહિલા અનુયાયીઓએ રુપિયા 10.41 લાખની છેતરપીંડીની ફરિયાન નોંધાવી છે.
વડોદરાઃ 10 લાખની ઠગાઇની ફરિયાદ સામે પાખંડી પ્રશાંતની પોલીસે કરી ધરપકડ
વડોદરામાં બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના પાખંડી ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય વિરુદ્ધ 10.91 લાખની ઠગાઇની વધુ એક ફરિયાદ નોંધાતા ગોત્રી પોલીસે પાખંડીની ધરપકડ કરી છે.
ખાનગી કંપનીમાં નોકરી કરતી અને વર્ષ 2012થી વારસીયા અને ગોત્રી સ્થિત બગલામુખી મંદિરમાં પતિ સાથે સેવા આપતી પીડિત મહિલા અનુયાયીએ, ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને જણાવ્યું હતું કે, "લગ્ન થયા બાદ તેમના પતિ સાથે બગલામુખી મંદિર જતી હતી. પતિ-પત્ની બંને આર્થિક રીતે સદ્ધર હોવાથી પ્રશાંત ઉપાધ્યાય તેઓને પોતાની નજીક રાખતો હતો. પ્રશાંત જુદી-જુદી જગ્યાએ તેના અનુયાયીઓને સાથે રાખીને હોમ હવન કરાવતો હતો. જેમાં સોના-મિશ્રિત યંત્ર સિદ્ધ કરવાના બહાને મહિલા અનુયાયીના પતિને સાથે રાખીને માયાજાળમાં ફસાવતો હતો અને કોઇપણ રીતે ઝઘડાઓ કરાવીને સમાધાન પણ પોતે જ લાવતો હતો." આમ, સમાધાન કરીને રુપિયા પડાવી લેવાનું કામ કરતો હતો. આ ફરિયાદને પગલે ગોત્રી પોલીસે ઠગ ગુરૂ પ્રશાંતની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.