પ્રાપ્ત વિગતો મુજબ, પાદરા તાલુકાના ગવાસદ ગામ પાસે આવેલ એમ્સ ઓક્સિજન નામની ઇન્ડસ્ટ્રીઝમાં હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર ભરવામાં આવે છે. આ કંપનીમાં શનિવારે સવારે અંદાજિત 10 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી ત્યારબાદ આગના કારણે બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઇ હતી. બ્લાસ્ટની આ ઘટનામાં પ્રાપ્ત માહિતી અનુસાર પાંચ જેટલા કામદારોને ઘટનાસ્થળે જ મોત થયાં હતા.
જ્યારે 15થી વધુ કામદારોને વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચતા તેમને આસપાસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં હજુ મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ છે. કંપનીમાં રહેલા હાઇડ્રોજન અને નાઈટ્રોજનના બોટલોના કારણે આટલો ભયાનક બ્લાસ્ટ થયો હોવાથી પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.
કંપની નજીક આવેલા ગવાસદ ગામની વાત કરવામાં આવે તો બ્લાસ્ટના કારણે લોકોના ઘરના બારી-બારણા પણ હલી ગયા હતા. ઘટના બાદ આસપાસની કંપનીઓના અગ્નિશામકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ ઠાકોર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા આગેવાનો થકી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી જરૂરી મદદ પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
વડોદરા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તથા પાદરા તાલુકાના અધિકારીઓ હાલ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરી રહ્યા છે. ત્યારે મળતી માહિતી અનુસાર, આ ઇન્ડસ્ટ્રીના કોઈપણ માલિક કે ઉચ્ચ સત્તાધીશો ઘટના સ્થળ પર ન આવતા સ્થાનિક નાગરિકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે
સુત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર, કંપનીના ગેટ પાસે આવેલ સિક્યુરિટી કેબિનમાં કોઈ જ પ્રકારના રજીસ્ટર ન હોવાના કારણે કેટલા વ્યક્તિઓ આ કંપનીમાં કામ કરી રહ્યા હતા તે વિશે કોઈ સ્પષ્ટતા થવા પામી નથી. હાલ મૃતકોની ઓળખ કરી પાદરા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.