વડોદરા : 21 મેએ આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા વડોદરામાં નવી ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીનું લોકાર્પણ કરવામાં આવશે. સમગ્ર દેશમાં ખોરાક અને ઔષધના નમૂનાઓનું પૃથ્થક્કરણ કરવા માટેની મોટામાં મોટી પ્રયોગશાળાનો દરજ્જો અપાયો છે.
48 કરોડના ખર્ચે બની લેબ :આગામી 21 મેએ વડોદરા આવી રહેલા આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે નવી ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીનું લોકાર્પણ યોજાયું છે. નવનિર્મિત લેબ માટે રૂપિયા 48 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં રાજકોટ અને ભુજ બાદ આ પ્રકારની અત્યાધુનિક ફૂડ એન્ડ ડ્રગ્સની લેબોરેટરી હવે વડોદરામાં કાર્યરત થશે.
સુરતમાં બને છે નવી પ્રયોગશાળા : વડોદરામાં નવી ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી કાર્યરત થતાં હાલ રાજ્યમાં ફુડ એન્ડ ડ્રગ્સના લેબની સંખ્યા ત્રણ થશે. વધુમાં ગુજરાતના દક્ષિણ વિસ્તારના સુરત ખાતે નવી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની નવીન પ્રયોગશાળાનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે. જેના થકી ખોરાક અને દવાના નમૂનાની ચકાસણીમાં વધારો થશે તેમજ ચકાસણી સમયમાં પણ ઘટાડો થશે. જેના થકી જાહેર આરોગ્યને સાચવવામાં વધુ સફળતા મળશે. આ સાથે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ભરૂચમાં બલ્ક ડ્રગ્સ પાર્ક બનાવવા માટે રૂ. 1 હજાર કરોડની મંજૂરી આપી છે. જેના નિર્માણ થતા રાજ્યમાં ફાર્મા ક્ષેત્રને વેગ મળશે.
નવી લેબ કેવી છે :વડોદરા ખાતે લોકાર્પણ થનારી નવી ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી 16,000 ચોરસમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે. તેમાં દશ માળની અત્યાધુનિક બિલ્ડીંગમાં અનેક સુવિધાઓ પણ છે. જૂની પ્રયોગશાળાનો કાર્યભાર વધી જતાં આ નવું બિલ્ડિંગ બનાવાયું છે. આગામી 50 વર્ષોની જરૂરિયાતોનો વિચાર કરી આધુનિક ઉપકરણો માટેની વિશાળ જગ્યા તથા NABL ધારાધોરણો તેમજ સરકારના પ્રવર્તમાન ગ્રીન બિલ્ડીંગ હેતુસર બનેલા આ નવીન કેમ્પસનું માસ્ટર પ્લાનિંગ કરવાની વિચારણાને સરકાર દ્વારા અમલમાં મૂકીને આ નવી લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે.
1947માં બની હતીજૂની પ્રયોગશાળા :વડોદરાની જૂની પ્રયોગશાળાના ઇતિહાસ પર નજર કરીએ તો વર્ષ 1947માં વડોદરાના રજવાડા સમયમાં ડ્ર્ગ્સ લેબોરેટરી વડોદરા તરીકે આ પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવી હતી. સ્વતંત્રતા બાદ વડોદરાની આસપાસના જિલ્લામાં દવા ઉદ્યોગોનો વિકાસ થયો છે ત્યારે વડોદરામાં જ નવી અદ્યતન પ્રયોગશાળા બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જૂની લેબ 1961માં કાર્યરત થઇ : તારીખ 22મી ફેબ્રુઆરી 1959ના રોજ જુના બિલ્ડીંગનો પાયો નંખાયો હતો અને 1 નવેમ્બર 1961ના દિવસે લોકાર્પણ થયું હતું. અહીં આવેલ જૂની બિલ્ડીંગ પશ્ચિમ ભારતની એ સમયની મોટામાં મોટી લેબ હતી. ભારત સરકારને વિવિધ ટેકનિકલ બાબતોમાં અને ચકાસણીની નવીન પદ્ધતિ વિકસિત કરવા માટે અમૂલ્ય યોગદાન આપેલું હતું. વધુમાં તે સમયે બીજા અન્ય રાજ્યોના દવાના નમુનાનું ટેસ્ટિંગ પણ આ લેબમાં કરવામાં આવતું હતું.
અન્ય રાજ્યોના નમૂના આવે છે : પ્રવર્તમાન સમયમાં પણ આ પ્રયોગશાળામાં ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધના નમુના ઉપરાંત, ઝારખંડ રાજ્ય, કેંદ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, વેસ્ટર્ન રેલ્વે તરફથી આવતાં ખાદ્ય પદાર્થના નમૂના, પ્રોહિબિશન અને એક્સાઇઝ ડીપાર્ટમેન્ટના નમૂનાઓ, રાજ્યની હોસ્પિટલ સપ્લાયના ઔષધના નમૂના, ICDS યોજના અંતર્ગત ખોરાકના નમૂનાઓ પણ ચકાસવામાં આવે છે.