વડોદરા : નવા વર્ષના પ્રથમ દિવસે જ વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં ચાર તરુણ વયનાં યુવાનો નહાવા ઉતર્યા હતાં. જેમાં ચારેય કિશોરો તણાવા લાગ્યાં હતાં. પરંતુ તેમાનાં એક કિશોરને તરતા આવડતુ હતું, જેથી તે મોતને માત આપી પાણીમાંથી બહાર આવી ગયો હતો. જયારે અન્ય ત્રણ પાણીમાં લાપતા થયાં હતાં.
15 કલાકથી શોધખોળસમગ્ર ઘટના અંગેની જાણ કરજણ ફાયર બ્રિગેડને થતાં તેઓ દ્વારા આ કિશોરોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ 15 કલાકની ભારે જહેમત બાદ પણ આ કિશોરોનો પત્તો લાગ્યો ન હતો. લાપતા થયેલ ત્રણેય કિશોરોના પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.
ભાઈબીજ મનાવવા નીકળ્યાં : વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં કરૂણ બનાવ બનવા પામ્યો હતો. જેમાં પાદરા તાલુકાનાં ભાદરવી ગામના છ જેટલા કિશોરો ભાઈબીજ કરવા માટે નીકળ્યા હતાં. ત્યારે આ કિશોરોએ દિવેર પાસેથી પસાર થતી નર્મદા નદીમાં નહાવા જવાનું નક્કી કર્યું હતું. જેમાં નર્મદા નદીમાં નહાતી વખતે તેઓ સેલ્ફી લેતા હતાં અને વિડીયોગ્રાફી કરી રહ્યા હતાં, તે સમય દરમિયાન છ કિશોરો પૈકીના કિશન વસાવા, અક્ષય વસાવા, સોહીલ વસાવા અને અનિલ વસાવા નર્મદા નદીમાં નહાવા ગયા હતાં. જ્યારે સુભાષ પાટણવાડીયા અને વિશાલ વસાવાને તરતા આવડતું ન હોવાથી તેઓ નહાવા ગયાં ન હતાં અને તેઓ નર્મદા નદીનાં કિનારે તેઓ ઉભા રહીને ફોટોગ્રાફી કરી રહ્યા હતાં. તે સમય દરમિયાન તરુણ વયનાં આ ચાર યુવાનો નદીનાં પાણીમાં તણાવા લાગ્યા હતાં. તે સમય દરમિયાન એકને તરતા આવડતું હતું તે પરત બહાર આવ્યો હતો અને અન્ય ત્રણ તરુણો જેને તરતા આવડતું ન હતું તેઓ પાણીમાં લાપતા થયાં હતાં.