વડોદરા : વડોદરા જિલ્લાની સાવલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં 16 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અગાઉ 6 બેઠકો બિનહરીફ થઈ હતી. જ્યારે બાકીની 10 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને તે માટે મતદાન યોજાયું હતું.
ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મતદાન યોજાયું : તારીખ પહેલી મેના રોજ ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મતદાન હાથ ધરાયું હતું. જેમાં ભાજપના 10 ઉમેદવારો મેદાનમાં હતાં. જ્યારે કોંગ્રેસ તરફે માત્ર બે જ ઉમેદવાર મેદાનમાં હતા. કોંગ્રેસ તરફથી ડો. પ્યારે સાહેબ રાઠોડ અને મહેશભાઈ પટેલ એમ બે જ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. આજરોજ આ 10 બેઠકો માટે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો ઉપર ભાજપ તરફી પ્રગતિ પેનલના 10 ઉમેદવારો બહુમતીથી વિજય બન્યા હતા.
કુલ 482 મતદારો પૈકી 452 ઉતદારોએ મતદાન કર્યું: તારીખ પહેલી મેના રોજ સાવલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કેમ્પસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 10 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર પ્રક્રિયા સંપન્ન થઈ હતી. કુલ 482 મતદારો પૈકી 452 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. આમ, આ ચૂંટણીમાં 93 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. સમગ્ર ચૂંટણીમાં બેલેટ પેપરના ઉપયોગો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જે બેલેટની મતગણતરી આજે હાથ ધરવામાં આવી હતી. ભાજપ તરફી પ્રગતિ પેનલના તમામ 10 ઉમેદવારો વિજય બન્યા હતા અને કોંગ્રેસના બે ઉમેદવારોનો પરાજય થવા પામ્યો હતો.