ગંદકીથી ખદબદતું ડભોઇનું તળાવ ડભોઇ : તાજેતરમાં પૂર્ણ થયેલ ગૌરીવ્રતના જવારાનું વિસર્જન ડભોઇ નગરની મધ્યમાં આવેલ તળાવમાં કરવામાં આવ્યું હતું. પરંતુ મહત્વની વાત એ છે કે, આ ઐતિહાસિક તળાવ હાલ ખૂબ જ ગંદકીથી ખદબદતુ અને તેમાં પારાવાર નફટ્ટ વેલોનું સામ્રાજ્ય જોવા મળી રહયું છે. જેથી હિન્દુ સંપ્રદાયની કુમારીકાઓની ધાર્મિક લાગણીને ભારે ઠેસ પહોંચી હતી.
વિશળદેવ રાજાનાં સ્વપ્નના ઝરોખા સમાન આ તળાવ હતું : ડભોઇ નગરની મધ્યમાં આવેલ આ ઐતિહાસિક ગામ તળાવ રાજા વિશળદેવનું સ્વપ્નના ઝરોખા સમાન તળાવ હતું. એક સમયે તળાવ કિનારે હવા ખાવા અને તળાવ કિનારાનો આનંદ માણવા રાજાએ સપ્તમુખી વાવ બનાવડાવી હતી. ત્યાં પોતાના કાફલા સાથે બેસી આનંદની પળો ગાળતા હતાં. જ્યારે હાલના શાસકોએ વિશાળદેવના સ્વપ્નને ચકનાચૂર કરી આ ગામ તળાવની ખસ્તા હાલત કરી મૂકી છે. સાથે તળાવ અને કિનારા પાસે પારાવાર ગંદકી અને ગાંડી વેલોનું સામ્રાજય છવાઇ ગયું છે.
ડભોઇની મધ્યમાં આવેલ તળાવમાં ગૌરીવ્રત સમયે ગૌરીવ્રતના જવારા જ્યારે અમો તળાવમાં પધરાવવા ગયા હતાં તે સમયે તળાવની અંદર પારાવાર લીલ અને ગંદકી હતી. જે ગંદકીની અંદર આ ગંદકી ભર્યાં તળાવમાં મેં અને મારી સહેલીઓએ ગૌરીવ્રતના જવારા પધરાવવા પડ્યા છે જે ખૂબ જ દુઃખદ બાબત છે... રેશ્માબેન પાટણવાડીયા( સ્થાનિક, નાંદોદી ભાગોળ, ડભોઇ)
તળાવ ફરતે વિવિધ ધાર્મિક સંપ્રદાયના આસ્થાના કેન્દ્રો : નગરની મધ્યમાં આવેલ આ ઐતિહાસિક તળાવ ફરતે આસપાસ વિવિધ ધાર્મિક દેવસ્થાનો પણ આવેલા છે. જે દેવસ્થાનો લોકોની આસ્થાના પ્રતીક છે. જેને કારણે વિવિધ સંપ્રદાય અને સમાજના લોકોમાં તંત્રની આ તળાવ પ્રત્યેની બેદરકારીથી ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્વચ્છતાની માંગ : ટૂંકા સમયગાળામાં દશામાના વ્રત, ગણપતિ મહોત્સવ અને વિવિધ ધાર્મિક ઉત્સવો નજીક આવી રહ્યાં છે. જેને લઈને નગરજનોએ વહીવટી તંત્રને ઘોર નિંદ્રામાંથી જગાડવાના પ્રયત્ન હાથ ધર્યા છે. ગત વર્ષે પણ આ તળાવની હાલત બદતર હતી. ગત વર્ષે ગણપતિ વિસર્જન સમયે પણ ડભોઈ નગરના તળાવોના ઓવારા પાસે લીલનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. તે સમયે પણ નગરજનોમાં ભારે રોષ પ્રર્વતયો હતો. આ વખતે ફરી તેનું પુનરાવર્તન થાય તેવી શકયતાઓ જણાઈ રહી છે.
ડભોઇની મધ્યમાં આવેલો ઐતિહાસિક તળાવ જ્યાં સ્થાનિક લોકો દ્વારા જ ગંદકી કરવામાં આવે છે. પરંતુ દશામાનો તહેવાર હાલ ચાલી છે અને ત્યારબાદ ગણપતિનો પણ તહેવાર આવી રહ્યો છે. જેને લઇ તાત્કાલિકપણે આ ગંદકી દૂર કરાવી દેવામાં આવશે..વિશાલ શાહ(કારોબારી ચેરમેન ડભોઇ નપા.)
પ્રજાની આ વેદનાને કોણ દૂર કરશે ? : જ્યારે વિવિધ રાજકીય પક્ષો અને તેનાં સ્થાનિક આગેવાનો પોતાનો સ્વાર્થ હોય છે ત્યારે આ તળાવને યાદ કરી તેનાં વિકાસનાં દિવાસ્વપ્નો બતાવતાં હોય છે અને તેના બ્યુટીફિકેશન માટે મોટાં મોટાં બણગાં ફૂંકતા હોય છે. પરંતુ રાજકીય પક્ષો ઉલ્ટા ચશ્મા પહેરાવતા હોય તેવું જોવા મળતું હોય છે. હાલમાં તાજેતરમાં જ ગૌરીવ્રત પૂર્ણ થતા કુવારીકાઓએ ગૌરીવ્રતના જવારાને આ ગંદકીથી ખદબદતા તળાવમાં જ તેનું વિસર્જન કરવું પડયું હતું, જે ખૂબ જ દયનીય બાબત કહી શકાય. આ રાજકીય પક્ષોના વહીવટકર્તાઓ અને સત્તાધીશ અધિકારીઓની નજરે આ સાચી હકીકત નજરે ચઢતી નથી જેથી નગરજનો વિસ્મય પામી રહયાં છે. શું નગરનાં બની બેઠેલા નેતાઓ કયારેય નગરચર્યાએ નહીં નીકળ્યા હોય?
જાળવણી અને માવજતની જવાબદારી તંત્રની : ભારતીય પુરાતત્વ વિભાગમાં આવતાં આ ઐતિહાસિક ડભોઇ નગરનાં તળાવની જાળવણી અને માવજતની જવાબદારી તંત્રની હોઈ તે વેળાસર આ સમસ્યા ઉકેલે તે હાલનાં સમય માંગ છે. નગરનાં રાજાએ તે સમયે સુંદર અને મજબૂત પત્થરોની ચારેબાજુ બાંધણી કરી ડભોઇ નગરની મુખ્ય ઉંચાઇથી 20 ફૂટ ઊંડુ તળાવ બનાવેલ હતું. જે તળાવ નગરજનોને પીવાનાં પાણી માટે, રોજીંદા કામ અને પશુઓને પીવાના પાણીની સુખાકારી માટે ઉપયોગી હતું. નગરજનો તેનો ઉપયોગ પણ કરતાં હતાં. રાજા રજવાડાઓના રાજપાટ ગયા બાદ જાહેર મિલકતોની જાળવણી, માવજત અને જવાબદારી સ્થાનિક સંસ્થાઓથી માંડીને રાજ્ય અને કેન્દ્ર સરકારની બની જવા પામી હતી. પાલિકાની ધરાર બેદરકારીને કારણે તળાવ અને તળાવનો કિનારાઓ પારાવાર ગંદકીથી ખદબદી રહ્યા છે. સમગ્ર વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે નગરની સુંદરતા વધારે તેવાં આ તળાવોની સમયસર સફાઈ કરાવી તેની સુંદરતામાં વધારો થાય તેવા પગલાં ભરે તેવી પ્રચંડ લોકમાંગ ઉભી થવા પામી છે.
- Vadodara News : ડભોઇના નાગડોલમાં ખેતરમાંથી મોંઢામાંથી લોહી નીકળેલી હાલતમાં દીપડાનો મૃતદેહ મળ્યો
- Vadodara News : ડભોઇ તેનતળાવથી વણીયાદ માઈનોર કેનાલમાં વિદ્યાર્થી ગરકાવ થયો
- Vadodara News: ડભોઇ નગર પાસે નવા ત્રણ ઓવર બ્રિજ મંજૂર છતાં લોકો હેરાન-પરેશાન