રજાઓના દિવસે પણ કામગીરી બંધ નહીં વડોદરા : આયુષ્માન કાર્ડ અને મા કાર્ડ અંતર્ગત ડાયાલિસીસ કરનાર હોસ્પિટલને અપાતી ફીમાં રાજ્ય સરકારે ઘટાડો કર્યો છે. જેને પગલે ગુજરાત નેફ્રોલોજિસ્ટ એસોસિએશને આગામી ત્રણ દિવસ ડાયાલિસીસ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી વિરોધ નોંધાવ્યો છે. જેને પગલે વડોદરાની સયાજી હોસ્પિટલમાં નેફ્રોલોજી વોર્ડ ખાતે રિયાલિટી ચેક કરવામાં આવી હતી અને ત્યાં જાણવા મળ્યું કે ડાયાલિસીસ માટે કોઈ પણ પ્રકારની અસુવિધા ન ઉભી થાય તે માટે સંપૂર્ણ સ્ટાફ આગામી જાહેર રજાના દિવસે પણ કાર્યરત રહેશે.
દર્દીના પરિજનોએ કરી હતી રજૂઆત : આ સુવિધા સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ સિવાય જિલ્લામાં પણ પાદરા, સાવલી, બાજવા, ડભોઇ, ડેસર, મોટા ફોફળિયા ખાતે પણ ડાયાલિસીસની સુવિધા મળી રહેશે. જેથી કોઈ પણ પ્રકારની દર્દીઓને અસુવિધા ઉભી ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. ખાનગીમાં સુવિધાઓ મળી રહે તે અર્થે કેટલાક દર્દીના પરિજનો કલેક્ટર કચેરી ખાતે આ સુવિધા ઉપલબ્ધ થાય તેવી રજૂઆત કરી હતી.
નેફ્રોલોજિસ્ટની હડતાળને પગલે અમારી ટીમ સજ્જ છે. 1 મેડિકલ ઓફિસર, 1 અથવા 2 રેસિડેન્ટે ડોક્ટર, 1 હેડ નર્સ, 5 નર્સ અને 9 ટેક્નિકલ સ્ટાફ દ્વારા સતત ડાયાલિસિસની કામગીરી કરવામાં આવી રહી છે. 15 ઓગસ્ટ અને પતેતીની જાહેર રજામાં કોઇ દર્દીને હેરાનગતિ ન થાય અને તેમનું ડાયાલિસિસ અટકે નહીં તે માટે અમે સ્ટેન્ડ બાય રહીશું. અમારા રૂટીન દર્દી અને બહારથી પણ આયુષ્યમાન કાર્ડવાળા દર્દી આવશે તેમનું રજીસ્ટ્રેશન કરીને ડાયાલિસિસ કરીશું. પ્રાઇવેટ હોસ્પિટલોમાંથી દર્દીઓ આવવાના શરૂ થઈ ગયા છે. અત્યારે 1 દર્દી પ્રાઇવેટમાંથી આવ્યો છે. તે દર્દી અંકલેશ્વરથી આવ્યો છે...ડો.નીલુ ગલયલ(મેડિકલ ઓફિસર, સયાજી હોસ્પિટલના નેફ્રોલોજી વોર્ડ)
દર્દીના પરિજનની પ્રતિક્રિયા : આ અંગે કિડની ડાયાલિસીસ દર્દીના પતિએ જણાવ્યું હતું કે, અમે રેગ્યુલર ડાયાલિસીસ છેલ્લા 12 વર્ષથી કરાવીએ ખાનગીમાં કરાવીએ છીએ. ત્યાં જવાથી યોગ્ય સુવિધાઓ મળી રહે છે અન્ય જગ્યાએ યોગ્ય સુવિધાઓમાં મુશ્કેલીઓ રહેતી હોય છે. 12 વર્ષથી ડાયાલિસીસ કરવાથી કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. આ શુક્રવારે ડાયાલિસીસ થયું છે, હવે બુધવાર સુધી નહીં થાય. હાલમાં તફલીક તો પડી રહી છે. પરંતુ યોગ્ય નિકાલ લાવવામાં આવે તો સારું કારણ કે 25 ટકા દર્દીઓ ખાલી સરકારી હોસ્પિટલમાં સારવાર લે છે. જ્યારે 75 ટકા દર્દીઓ ખાનગીમાં સારવાર લેતા હોવાથી આનો કોઈ વચ્ચેનો રસ્તો નિકાળવો જોઈએ. અમે હાલ તો અમે જીવન મરણના વચ્ચે આવી ગયા છીએ, એક બે દિવસમાં આવું જ પરિણામ આવશે. લોકોને સોજા ચડે છે, શ્વાસ ચડે છે, બોલવામાં તફલીક પડે છે. તો આનો યોગ્ય રસ્તો કરી સુવિધા ચાલુ કરવી જોઈએ.
ફીમાં ઘટાડો: સરકાર દ્વારા અગાઉ હોસ્પિટલને એક દર્દીના એક ડાયાલિસીસ માટે રૂપિયા 2000 હજારમાં સુવિધા આપવામાં આવતી હતી. હવે આ સુવિધા માટે સરકાર દ્વારા 2000 હજારમાંથી ઘટાડીને હવે રૂપિયા 1650 કરવામાં આવ્યા છે. હોસ્પિટલોની રનિંગ કોસ્ટમાં એક બાજુ વધારો થયો છે, જ્યારે બીજી બાજુ ફીમાં ઘટાડો થયો હોવાની લાગણી અનુભવાઇ રહી છે.
સરકારી હોસ્પિટલમાં દર્દીઓનું ભારણવડોદરામાં દર મહિને ખાનગી હોસ્પિટલમાં 15 હજાર જેટલા દર્દીઓ ડાયાલિસીસ કરાવતા હોય છે. જ્યારે ગુજરાતમાં મહિને સવા લાખ જેટલા દર્દીઓનું ડાયાલિસીસ થતું હોય છે, જેમાં સરકારી હોસ્પિટલમાં માત્ર 30 હજાર લોકો ડાયાલિસીસ કરાવે છે, જેથી આગામી ત્રણ દિવસ ડાયાલિસીસ સુવિધા બંધ હોવાથી સરકારી હોસ્પિટલમાં દર્દીઓનું ભારણ વધશે તે માટે તમામ હોસ્પિટલમાં સ્ટાફથી લઈ તમામ સુવિધાઓ માટે તૈયારીઓ કરવામાં આવી છે.
- One Gujarat One Dialysis Program: રાજ્યમાં હવે કોઈ પણ જગ્યાએ કરાવી શકાશે ડાયાલિસીસ, જાણો યોજના વિશે
- મહેસાણા: ગુજરાત સરકારના ડાયાલિસીસ પ્રોજેકટ અંતર્ગત દર્દીઓને મળી નિઃશુલ્ક સેવા
- Vadodara News : એસએસજી હોસ્પિટલમાં વિશ્રામ સદનની સુવિધા શરુ, દર્દીઓના સ્વજનો માટે રાહતની વાત