વડોદરા:વાઘોડિયાના અપક્ષ ધારાસભ્યના માણસે વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન અને ભાજપના નેતા નિલેશ પુરાણીને લાફો માર્યો હતો. ઉપરાંત બિભત્સ ગાળો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા.આ મામલે નિલેશ પુરાણીની ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
જાનથી મારી નાખવાની આપી ધમકી:જિલ્લા પંચાયત સદસ્ય નિલેશ પુરાણીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે 1 એપ્રિલના રોજ સાંજે હું મારા અંગત કામથી બહાર નીકળ્યો હતો. તે વખતે ધનેશગીરી ગોસ્વામીનો મારા ઉપર ફોન આવ્યો હતો અને ફોન ઉપર વાત કરતા ધારાસભ્યએ વાત કરી હતી અને મારી સાથે ઉશ્કેરાઇને વાત કરી હતી. ત્યારબાદ હું વાાઘોડિયા આવીને ધારાસભ્ય સાથે મોબાઇલ ફોન ઉપર વાત કરતા તેઓ તળાવ ઉપર હોવાનું જણાવ્યું હતું.
MLAના માણસે માર્યો લાફો: જો કે સાંજે ૫:૪૫ કલાકની આસપાસ હું તળાવ ઉપર ગયો, ત્યારે તેઓ ત્યાં હાજર નહોતા. આ દરમિયાન ધારાસભ્યના ઓળખીતા કિરીટસિંહ જાડેજા કોઇ પણ કારણ વગર મારા ઉપર ઉશ્કેરાઇ ગયા હતા. મારા ડાબા ગાલા ઉપર તમાચો મારી દીધો હતો. તેઓએ બિભત્સ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આરોપી સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.