વડોદરા : MGVCL દ્વારા વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં વારંવાર વીજ ચોરીના બનાવો સામે આવ્યા છે. જેથી પાદરા તાલુકાના વિવિધ ગામોમાં વ્યાપકપણે થઈ રહેલી વીજ ચોરીની મળેલી માહિતીને પગલે પાદરા MGVCLની ટીમોએ વહેલી સવારેથી સપાટો બોલાવ્યો હતો. જેમાં પાદરા તાલુકાના આંતિ, સાધી, રણુ અને વડદલા ગામોમાં પાદરા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દરોડા પાડ્યા હતા. 13 જેટલા ગ્રાહકોના વીજ કનેકશનોમાંથી થતી વીજ ચોરી પકડીને રૂપિયા 4 લાખ ઉપરાંતનો દંડ વસુલ કર્યો હતો. MGVCLની ટીમના આ સપાટાથી વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
વીજ વાયરો પર લંગર :વડોદરા MGVCLની હેડ ઓફિસ તેમજ ગોત્રી સર્કલ ઓફિસના અધિકારીઓના માર્ગદર્શન મુજબ પાદરા વિભાગ 2માં આવતા મહુવડના જે.જી.વાય ફીડરમાં આવતા આંતિ, સાધી, રણુ, અને વડદલા ગામમાં વીજ કંપનીના અધિકારીઓ, વિજિલન્સની ટીમોએ પાદરા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. વીજ કંપનીની હળવા દબાણની વીજ લાઇનમાં લંગરિયા નાખી વીજ ચોરી કરતા આંતી ગામમાંથી 10 ગ્રાહકો અને સાધી ગામમાંથી 3 ગ્રાહકો મળી કુલ 13 ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી પાડવામાં આવ્યા હતાં. તંત્રએ ઝડપાયેલા તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વીજ કંપનીનાં દરોડાથી ફફડાટ : પાદરા તાલુકામાં વીજ કંપનીના વિભાગ-2માં આવતા જે.જી.વાય મહુવડ ફીડરના ચાર ગામોમાં MGVCLના અધિકારીઓ તેમજ વિજિલન્સ પોલીસ દ્વારા સવારે ચોરી ઝડપી પાડવા માટે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં વીજ ચોરી કરતા 13 જેટલા શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. વીજ કંપનીએ પાડેલાં આ દરોડાથી સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.