વડોદરા : વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી યુવાધનને બરબાદ કરવા માટે ક્યાક દારૂની રેલમછેલ તો ક્યાંક ડ્રગ્સની હેરાફેરી તો ક્યાંક ઇ-સિગારેટનું રેકેટ પકડાઈ રહ્યું છે. આ તમામ પાસને ધ્યાનમાં લઈ શહેર પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે ગત રાત્રે વડોદરા શહેર પાણીગેટ પોલીસે બાતમીના આધારે પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાંથી 1.68 લાખનો વિદેશી દારૂ સાથે કુલ 5.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. તો અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
બાતમીના આધારે દરોડા :વડોદરા શહેરમાં મિશન ક્લીન અંતર્ગત વડોદરા શહેર પોલીસ સતત કાર્યશીલ છે, ત્યારે પાણીગેટ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે, ડી માર્ટથી ગાજરાવાડી જતા આરસીસી રોડ મહાકાળી માતાના મંદિર સામે આવેલી ખુલ્લી જગ્યામાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ હોવાની માહિતી મળતા જ દરોડા કર્યા હતા. આ દરમિયાન ત્યાંથી 1.68 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહિત કુલ 5.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં બે કાર અને એક બાઇકનો સમાવેશ થાય છે. આ જગ્યાએથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 3 શખ્સોને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા હતા.
ઝડપાયેલ મુદ્દામાલ : મહાકાળી માતાના મંદિર પાસેથી ઝડપાયેલા મુદ્દામાલમાં ભારતીય બનાવતનો વિદેશી દારૂ કાચની 750 મિલીની બોટલ નંગ 336 જેની કુલ કિંમત રૂપિયા 1 લાખ 68 હજાર છે. તેમજ 2 કાર અને એક હોન્ડા ડ્યુએટ જેની કુલ કિંમત 3 લાખ 90 હજાર, મોબાઈલ નંગ 3 જેની કિંમત 23 હજાર સાથે મળી કુલ કિંમત 5.81 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.